Ahmedabad

ક્રોસ વોટિંગ કરનાર સભ્ય ગેરલાયક ઠરતો નથીની કાયદાકીય સમજ આપતા મંત્રી !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૬
રાજકારણમાં વધુ જ શક્ય છે તેમ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાં ક્રોસ વોટિંગ થતાં હવે રાજ્યસભાની ચૂંટણીમાં પણ ચાન્સ લેવા સત્તાધારી ભાજપ દ્વારા રાજકીય રમતો હાથ ધરવામાં આવી છે. ભૂતકાળમાં ક્યારેય ન બનતી ઘટનાઓ અથવા તો તરકીબો અપનાવાઈ રહી છે.
ગુજરાતની રાજ્યસભા પર કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરવા માટે ડરે નહીં અને વિના ભયે ભાજપના ઉમેદવારને મત આપી શકે તે માટે ગુજરાત સરકારના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કાયદાઓની છણાવટ સાથે કોંગી ધારાસભ્યોને મત માટે આગળ આવવા આપતું નિવેદન જારી કરતા રાજકીય આલમમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે.
રાજ્યના કાયદા, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, કોંગ્રેસની નેતાગીરી સામેના અસંતોષથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં થયેલા ક્રોસ વોટિંગના કારણે કોંગ્રેસ ડરી ગઈ છે. હજુ પણ રાજ્યસભાની ચૂંટણીમાં વધુ ક્રોસ વોટિંગ થાય તેવી દહેશતથી કોંગ્રેસના આગેવાનો જુઠાણા ચલાવી ધારાસભ્યોને ગેરમાર્ગે દોરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપને ક્રોસ વોટિંગમાં કોઈપણ પ્રકારનો રસ નથી કે કોંગ્રેસની જૂથબંધીમાં પણ કોઈ રસ નથી. ક્રોસ વોટિંગ એ કોંગ્રેસનો આંતરિક અને અંગત મામલો છે. પરંતુ, ક્રોસ વોટિંગના સતત ભયથી કોંગ્રેસના આગેવાનો અતાર્કિક અને ગેરકાયદેસર અર્થઘટન કરી અવ્યવહારું વાતો કરી રહ્યા છે. દેશભરમાં આ વાત ચાલી રહી છે ત્યારે લોકશાહી શાસન પ્રણાલીમાં સાચી વાત પ્રજા સમક્ષ મૂકવી એ મંત્રી તરીકેની મારી ફરજ છે.
રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ પક્ષે તેમના ધારાસભ્યોનેથી લાઈન વ્હીપ આપી ક્રોસ વોટિંગ કરનાર સભ્ય ૬ વર્ષ માટે ગેરલાયક ઠરે છે તેવું ભારતના બંધારણની કાયદાની જોગવાઈ આધારે જણાવ્યું છે. આ બાબતની વધુ સ્પષ્ટતા કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતના બંધારણની ઉકત જોગવાઈઓ મુજબ કોઈપણ રાજકીય પક્ષનો ગૃહનો સભ્ય પોતાનું સભ્યપદ સ્વેચ્છાએ છોડી દે અથવા તો પોતાના પક્ષે આપેલા કોઈપણ વ્હીપની વિરુદ્ધ પક્ષની પૂર્વ પરવાનગી મેળવ્યા વિના ગૃહમાં મતદાન કરે કે મતદાનથી દૂર રહે તો તે ગૃહના સભ્ય તરીકે ગેરલાયક ઠરે છે. પરંતુ જ્ઞાનેન્દ્રકુમાર સિંઘ વિરુદ્ધ બિહાર લેજીસ્લેટિવ એસેમ્બલીના કેસમાં પટણા વડી અદાલતે આપેલા ચુકાદા મુજબ બંધારણની પક્ષાંતરના કારણે ગેરલાયકાત અંગેની જે જોગવાઈઓ છે તે રાજ્યસભાની ચૂંટણીને લાગુ પડતી નથી તેમ ઠરાવ્યું છે. કોઈપણ સભ્ય રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરે તો તે પોતાના પક્ષની વિરુદ્ધ છે તેમ કહી શકાય પરંતુ આવા સભ્યે પક્ષાંતર કર્યું છે એવું કહી શકાય નહીં.