(એજન્સી) નવી દિલ્હી, તા.ર
ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક આ દિવસોમાં ભારતના પ્રવાસ છે. તેમની સાથે તેમના પત્ની જેત્સુન પેમા વાંગચુક અને રાજકુમાર જિગ્મે નામગ્યાલ વાંગચુક પણ છે. ભૂતાનના આ નાનકડા રાજકુમાર જિગ્મે નામગ્યાલ વાંગચુક ભારત આવ્યા ત્યારથી દરેકના દિલ જીતી ચૂક્યા છે. રાજકુમાર જિગ્મે એટલા કયુટ છે કે, દરેક કોઈ તેમની મુસ્કાન, નટખટ અદાઓ અને શાહી અંદાજ પર ફિદા થઈ જાય છે. વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહેલાંથી જ રાજકુમારથી મુલાકાત કરી ચૂકયા છે અને આ મુલાકાતના ફોટાઓ ઈન્ટરનેટ પર ખૂબ જ ધમાલ મચાવી રહ્યા છે. જ્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાત્રે ભૂતાનના શાહી પરિવારથી મુલાકાત કરી હતી. વડાપ્રધાને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર મુલાકાતના ફોટાઓ પોસ્ટ કર્યા હતા. આ મુલાકાતનું આકર્ષણ કેન્દ્ર રાજકુમાર જિગ્મે નામગ્યાલ રહ્યા. ભૂતાનના શાહી પરિવારના આ સૌથી નાના સભ્ય ભારતીય સંસ્કૃતિ મુજબ નમસ્તે કરી વડાપ્રધાન મોદીનું અભિવાદન કર્યું જે વખતે રાજકુમાર વડાપ્રધાનને નમસ્તે કરી રહ્યા હતા ત્યારે તેમના પિતા અને ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ અને માતા અને ભૂતાનની રાણી જેત્સુન પેમા વાંગચુક પોતાના બાળકની શાલીનતા પર ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાનકડા રાજકુમારને ગિફટ પણ આપી હતી. મોદીએ રાજકુમારને ફિફા યુ-૧૭ વર્લ્ડકપનો ઓફિસિયલ ફૂટબોલ અને એક ચેસ બોર્ડ ભેટ આપી હતી. ચેસ જોઈને રાજકુમાર ખુશખુશાલ થઈ ગયા હતા. ભૂતાનનો શાહી પરિવાર ચાર દિવસની ભારત યાત્રા પર છે. વડાપ્રધાન મોદીથી મળતા પહેલાં રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને રાણી જેત્સુન પેમા વાંગચુકએ વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી મુલાકાત કરી હતી. ડોકલામ વિવાદ બાદ ભૂતાન તરફથી આ પ્રથમ ઉચ્ચ સ્તરીય યાત્રા છે. મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને ભૂતાન નરેશની વચ્ચે ઘણા મુદ્દાઓ પર ગંભીર તથા સકારાત્મક વાતચીત થઈ હતી.