પાલનપુર, તા.ર૪
પાલનપુર નગરપાલિકાના ભાજપના કોર્પોરેટરનો દબંગાયીનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક વોર્ડના નાગરીકે રોડ મામલે રજૂઆત કરતા ભાજપના આ નગરસેવકે તેના ભાઈ સાથે મળી મોડીરાત્રે ગડદા પાટુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે ઇજાગ્રસ્તએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
પાલનપુર નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટને કારણે પ્રજાજનો ભારે હાલાકીઓ ભોગવી રહ્યા છે. શહેરના મોટાભાગના માર્ગો પાઇપલાઇન માટે આડેધડ ખોદી નાંખ્યા બાદ તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. આ માર્ગો ભારે વરસાદના પગલે બીસ્માર થઈ ગયા છે. આ ઉપરાંત સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકી અને તેના કારણે ડેન્ગ્યુ સહિતની બીમારીઓએ માથું ઊંચક્યું છે. લોકો જાયે તો જાયે કહા જેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે. વારંવારની રજૂઆતો છતાં કોઈ કામગીરી થતી નથી. આવી સ્થિતિમાં માર્ગ અને કહેવા જતાં એક નાગરિકને ભાજપના કોર્પોરેટરનો કડવો અનુભવ થવા પામ્યો હતો. જેનો વિડીયો વાયરલ થવા પામ્યો છે. આ વિડિયોમાં ભાજપના નગરસેવક વિપુલ રાવલ અને તેના ભાઈએ મયુર ઠાકર નામના વ્યક્તિને મોડી રાત્રે ગડદા પાટુનો માર મારતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ ઇજાગ્રસ્ત મયુર ઠાકરે પોતાની ઉપર જીવલેણ હુમલો કરનારા નગરસેવક અને તેના ભાઈ સામે પાલનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
કામ બાકી રહેતા લોકો જેમતેમ બોલતા હતાઃ વિપુલ રાવલ (નગરપાલિકા, પાલનપુર)
અમારા વોર્ડમાં રોડનું કામ શરૂ કરાયું છે. જોકે, મટેરિયલના અભાવે થોડું બાકી રહી ગયું હતું. જે સોમવારે શરૂ કરવાનું છે. જોકે, આ કામ બાબતે કેટલાક લોકો ઉશ્કેરાઈ ને મને જેમ તેમ બોલ્યા હતા.