(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૧
શહેરના વાડી વિસ્તારમાં માર્કેટ શોપીંગ સેન્ટર પાસે ખુલ્લી જગ્યામાં કોમર્શીયલ કામગીરી કરતાં મૂર્તિકારો તેમજ અન્ય લોકોના દબાણો દુર કરી અંદાજે ૩૫૦૦ ચોરસ ફુટ જેટલી જગ્યા ખુલ્લી કરવાઇ હતી. આ સ્થળે હવે પ્રીકાસ્ટોલ બનાવવાની કામગીરી કરવામાં આવશે. વાડી વિસ્તારમાં માર્કેટ શોપીંગ સેન્ટર પાસે પાલિકાની માલિકીની જગ્યા આવેલી છે. અહીં મુખ્ય માર્ગ પર મંડપો બનાવી મૂર્તિ બનાવવાની તેમની રાત્રીના સમયે ગોરખધંધા થતાં હોવાની ફરિયાદ તંત્રને મળી હતી. અહીં મંડપ સહિતના દબાણો હોવાના કારણે સફાઇ પણ ન થઇ શકતા ગંદકીનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. બનાવ અંગેની જાણ સ્થાયી સમિતીના અધ્યક્ષ સતિષ પટેલને થતાં તેઓએ સ્થળની મુલાકાત લઇ સ્થિતીની સમિક્ષા કરી હતી. જે બાદ વોર્ડ અને પોલીસનો સ્ટાફ સાખે રાખી પાલિકાની દબાણશાખાએ અહીં ગત રોજ સવારના સમયે ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી. સમગ્ર જગ્યાએથી દબાણો દુર કરાવવા સાથે અંદાજે ૩૫૦૦ ચો.ફુટથી વધુની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.