(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૯
કહેવાતા ગૌરક્ષકો ગૌરક્ષણના નામે કાયદો હાથમાં લઈ બેફામ ગુંડાગર્દી કરતાં હોવાના સંખ્યાબંધ બનાવો વચ્ચે નિરંકુશ બનેલા આવા જ કેટલાક કહેવાતા ગૌ-રક્ષકોના પ્રતાપે ગુજરાતના જ એક ગામમાં અબોલ પશુ વરવી રાજનીતિનું પ્રતિક બની ગયેલ ગાયોને બે-બે દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા રહેવું પડ્યું છે. આ ભૂખી-તરસી ગાયોની ચિંતા ગૌ-રક્ષકો કે કોઈ અન્ય એ ના કરી પરંતુ ગૌ-રક્ષકો ગાયો માટે જેને ટાર્ગેટ બનાવે તેવા મુસ્લિમ સમાજની વ્યક્તિઓએ કરી હતી અને આ ગાયો ભૂખી-તરસી મરી ના જાય તે માટે દોડા-દોડ કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. પાટણ જિલ્લાના રણોદ ગામે અબોલ ગાયોને ભૂખી-તરસી રાખવાના આ બનાવ અંગે મુસ્લિમ શખ્સે ચિંતા વ્યક્ત કરી ધ્યાન દોરતા આ સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગૌ-રક્ષાના નામે મુસ્લિમોને શિકાર બનાવવાનો જ માત્ર ધ્યેય હોય તેમ ગાયોને પકડી ગમે તેમ પૂરી દેવાની કે જમા કરાવી દેવાની પ્રવૃત્તિ કરી હાથમાં આવી ગયેલા મુસ્લિમોને બેફામ મારવામાં જ ખૂબ રસ દાખવી તેમાં વ્યસ્ત બની જતાં ગૌ-રક્ષકોને મન જો ગાયનું હિત જ સર્વસ્વ હોય તો સૌ પ્રથમ તેઓ ગાયોને સારી રીતે સાચવવાની તસ્દી લેતાં પરંતુ તેમ ના કરી આ રણોદના ગૌ-રક્ષકોએ કોઈપણ જાતની કાયદેસરની વિધિ કે રેકોર્ડ મેઈન્ટેન કર્યા વિના ગ્રામ પંચાયતના ડબ્બામાં ગાયોને પૂરી દઈ રવાના થઈ ગયા હતા. એટલું જ નહિ આ ગાયો માટે ઘાસચારો કે પાણીની પણ કોઈ વ્યવસ્થા કરી ન હતી અને પોતાના ગૌ-રક્ષા અભિયાનના અન્ય શિકાર શોધવામાં જાણે વ્યસ્ત બની ગયા હતા.
બે-બે દિવસ સુધી આ ગાયોને પાણી-ઘાસચારો ન મળતા તે અંગે મુસ્લિમ શખ્સે મીડિયા સહિતના શખ્સોનું ધ્યાન દોરતા સમગ્ર બનાવ અંગે તપાસ કરતાં માલુમ પડ્યું કે પંચાયતના રેકર્ડમાં ગાય પૂરવામાં આવી હોવાની કોઈ નોંધ ન હતી જેથી પંચાયત સત્તાવાર રીતે આ ગાયોથી અજાણ છે. ગાયોને પંચાયતના ડબ્બામાં પૂરવામાં આવી હોવા અંગેની કોઈ રસીદ પણ ઉપલબ્ધ ના હોઈ તેના ઘાસચારાની કોઈ વ્યવસ્થા કરી શકાઈ નથી. ગામના સરપંચ નવઘણભાઈનો સંપર્ક કરાતા તેઓ પણ આ સમગ્ર હકીકત જાણતા ઘણા રોષે ભરાયા હતા. તેમણે કહ્યું હતું કે, ડબ્બામાં ગેરકાયદેસર ગાયો પૂરવામાં આવી હોવાની જાણકારી તેઓને મળી છે. આ ગાયો ગામના કેટલાક લોકો અને ઘોડે સવાર પોલીસ લઈ આવી હોવાનું તેમને જાણવા મળ્યું હતું. તેથી તેમણે પોલીસને પણ તાત્કાલિક ગાયોને છોડી દેવાની તાકીદ કરી હતી અને આ ગાયો ભૂખી તરસી મરી જશે તો તેની જવાબદારી પોલીસ અને એ ગામના લોકોની રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.