લખનઉ, તા. ૧૪
દાદરીના બિસાડા ગામના મોહમ્મદ અખલાકની હત્યામાં સંડોવાયેલા ૧૫ આરોપીઓને દાદરીના નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી)માં કોન્ટ્રાક્ટ પર નોકરી મળી છે. સપ્ટેમ્બર ૨૦૧૫માં મોહમ્મદ અખલાક અને તેના પુત્ર દાનિશને ગાયને કાપી તેના માંસને ઘરમાં છુપાવાની શંકામાં ટોળા દ્વારા માર મારતા અખલાકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે દાનિશ ગંભીર રીતે ઘવાયો હતો. આ ઘટનામાં કોઇ કાર્યવાહી ન થતા ઘણા સાહિત્યકારોએ પોતાના રાષ્ટ્રીય અવોર્ડ પરત આપી દીધા હતા. બાદમાં આ ઘટનામાં ૧૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી એક આરોપી રવિન સિસોદિયાનું શરીરમાં ઘણા રોગોને કારણે મોત થયું હતું જ્યારે અન્ય આરોપીઓ જામીન મેળવી લેવામાં સફળ રહ્યા હતા. અહેવાલો અનુસાર ભાજપના ધારાસભ્ય તેજપાલસિંહ નાગરે એનટીપીસીના અધિકારીઓ સાથે ૯મી ઓક્ટોબરે મુલાકાત કરી ૧૫ આરોપીઓને નોકરી અપાવી હતી. આ દરમિયાન એનટીપીસીના પ્રવક્તાએ પણ આ નોકરીઓ આપી હોવાની કબૂલાત કરી હતી અને જણાવ્યું હતું કે, બિસાડાના બેરોજગાર યુવાઓને અમે નોકરી આપવા સંમત થયા છીએ. તેનો અખલાકની હત્યા સાથે કોઇ સંબંધ નથી. પ્રવક્તાએ જણાવ્યું કે, અમે બિસાડાના લોકોને નોકરી આપવાના વચનને પાળીને એનટીપીસીમાં નોકરી આપી છે જે હંગામી તથા કોન્ટ્રાક્ટના આધારે છે. ધારાસભ્ય તેજપાલસિંહે જણાવ્યું હતું કે, જેલમાં મૃત્યુ પામેલા રવિનની પત્નીને પ્રાથમિક શાળામા નોકરી આપવામાં આવી છે તથા તેને એક મહિનામાં ૮ લાખ રૂપિયા વળતર પણ આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં તેને પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે જ્યારે અન્ય નાણા અનેક તબક્કામાં આપવામાં આવશે.