Ahmedabad

કોંગ્રેસ દશેરાએ દસ દુષણોરૂપી રાવણને પ્રતિકરૂપે દહન કરશે

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૬
કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપના શાસનમાં ગરીબ-સામાન્ય વર્ગ મોંઘવારીના અસહ્ય મારથી પરેશાન છે. પેટ્રોલ-ડીઝલ સહિત ચીજવસ્તુઓના ભાવો સતત વધી રહ્યા છે ત્યારે પ્રજાની સમસ્યાને વાચા આપવા અને ગુજરાતની જનતાને જાગૃત કરવા મોંઘું શિક્ષણ, મોંઘવારી, રોજગારી, ખેડૂતોની આત્મહત્યા, મહિલાઓની અસલામતી, ખેડૂત વિરોધી, ભ્રષ્ટાચાર સહિતના દસ માથારૂપી રાવણનું દહન કરવાનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે. ભાજપ શાસકોની ખેડૂત વિરોધી નીતિના કારણે રાજ્યના લાખો ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા છે. ત્યારે ભાજપ સરકાર જાગે અને ખેડૂતોને ન્યાય આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવ વધારાના કારણે તમામ ક્ષેત્રમાં મોંઘવારી ભૂસકેને ભૂસકે આસમાને પહોંચી ગઈ છે. ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં ગુજરાત સરકારનું પેટનું પાણી હાલતું નથી અને ખાતર સહિત બિયારણ, જંતુનાશક દવા સહિતના કૃષિ બાબતમાં અસહ્ય ભાવ વધારાના કારણે ખેડૂતને ખેત ઉત્પાદન અતિ મોંઘું થયું છે અને બીજી બાજુ ખેતપેદાશોના ભાવ ન મળવાના કારણે અનેક ખેડૂતો આત્મહત્યા સુધીનું અંતિમ પગલું ભરી રહ્યા છે. પાક વિમાના રૂપિયા સમયસર મળતા નથી તેમજ વિવિધ કૃષિ ધિરાણો સમયસર ન મળતા ગુજરાતનો ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે. ગુજરાત સરકાર સંવેદના ગુમાવી રહી છે. દયાહીન ગુજરાત સરકારને જગાડવા માટે કોંગ્રેસ પક્ષ વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો આપી રહ્યું છે. મોંઘવારીના મારથી ત્રસ્ત ગુજરાત અને દેશની જનતાની વેદનાને વાચા આપવા માટે અને ભાજપ સરકારના સતત નિષ્ફળ શાસન સામે કોંગ્રેસ પક્ષ તરફથી રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં દશેરાના પર્વ પર દસ જેટલા દુષણોરૂપી-રાવણને પ્રતિક રૂપે દહન કરવામાં આવશે. છેલ્લા સાડા ચાર વર્ષ ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્યમાં રર વર્ષથી ભાજપ શાસનમાં પેટ્રોલ-ડીઝલ રાંધણ ગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પ્રજાની સમસ્યાને વાચા આપવા અને ગુજરાતની જનતાને જાગૃત કરવા મોંઘું શિક્ષણ, મોંઘવારી, રોજગારી, ખેડૂતોની આત્મહત્યા, મહિલાઓની અસલામતી, ખેડૂત વિરોધી, ભ્રષ્ટાચાર સહિતના દસ માથારૂપી રાવણનું દહન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવશે.