
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૧
ગૃહરક્ષક દળ અને ગ્રામરક્ષક દળના જવાનો એક સરખી ફરજ બજાવતા હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી તેમની સાથે અન્યાય કરવામાં આવે છે. ગ્રામ રક્ષક દળના જવાનો ૧૯પ૧થી ફરજ બજાવી રહ્યા છે. તેમ છતાં તેમને હાલ માત્ર ૧૩૦ રૂપિયા દૈનિક ભથ્થું આપવામાં આવે છે જ્યારે હોમગાર્ડને હાલ ૩૦પ રૂપિયા દૈનિક આપવામાં આવે છે. આથી આ અન્યાય દૂર કરવા ગ્રામરક્ષક દળના જવાનોની માગણી અને લાગણી છે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય રક્ષકદળના જવાનોએ સરખેજ ખાતે દેખાવો કરી સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ કર્યો હતો. જવાનોના જણાવ્યા મુજબ અમે પોલીસ અને હોમગાર્ડના જવાનો જેવી જ કામગીરી બનાવી રહ્યા છીએ શરદી, ગરમી, વરસાદની પરવાહ કર્યા વિના અમે અમારી ફરજ નિભાવી રહ્યા છીએ ગ્રામ્ય રક્ષક દળની સ્થાપના ગુજરાતની સ્થાપના અગાઉ ૧૯પ૧માં થઈ હતી. જ્યારે હોમગાર્ડની સ્થાપના ત્યારબાદ થઈ હોવા છતાં હોમગાર્ડને ૩૦પ અને ગ્રામ્ય રક્ષક દળને માત્ર ૧૩૦ રૂપિયા દૈનિક પગાર આપવામાં આવે છે. ગ્રામ્ય રક્ષક દળના જવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ર૦૦૪થી અમારા પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અમને ખુશી છે કે હોમગાર્ડના જવાનોની વારંવારની રજૂઆત બાદ તેમનો પગાર દૈનિક રૂપિયા ર૦૦થી વધારી ૩૦પ કરવામાં આવ્યો છે. ત્યારે અમારો પગાર પણ હોમગાર્ડની સમકક્ષ હોવો જોઈએ. કેટલાક જવાનો તો ૩૦ રૂપિયા પગારમાં ગ્રામ્ય રક્ષક દળમાં જોડાયા હતા. જેઓ આજે વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયા હોવા છતાં ૧૩૦ રૂપિયામાં મજબૂરીવશ ફરજ નિભાવવી પડે છે.
જીઆરડીના જવાનોએ અશ્રુભીની આંખે તેમની આપવીતિ વર્ણવતા જણાવ્યું હતું કે, અને હોમગાર્ડ અને પોલીસના જવાનો જેવી જ કામગીરી કરતાં હોવા છતાં અમને તેમની જેવા લાભો આપવાની વાત તો દૂર દૈનિક વેતન પણ પૂરતું મળતું નથી. આથી આ કારમી મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું અમારા માટે મુશ્કેલ બન્યું છે. ત્યારે સરકાર અમારી આ વાજબી માગણી તરફ ધ્યાન આપે તેવી અમારી માગણી અને લાગણી છે.