દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ૧ર ઈંચથી વધુ સ્કોર નોંધાયો

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૮
સૌરાષ્ટ્ર કચ્છની જમીન પર ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજા પુનઃ દક્ષિણ ગુજરાત તરફ વળ્યા છે. ગત રાત્રિથી જ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લાના તાલુકાઓમાં ધમાકેદાર બેટિંગ કરતાં ૧થી ૧ર ઈંચ સુધીનો સ્કોર નોંધાયો છે. પરિણામે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા અનેક જગ્યાએ મકાનો, દુકાનો, સોસાયટીઓમાં અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ઉપરાંત રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળતા રેલવે તંત્રએ કેટલીક ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી. જ્યારે કેટલીક ટ્રેનો મોડી દોડી રહી છે.
વલસાડ અને વાપીમાં પણ પડેલા ભારે વરસાદને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. સ્થિતિને જોતા મોટાભાગની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે. આમ તો મેઘરાજા અન્ય વિસ્તાર માટે થોડા નરમ જણાય છે. રાજ્યના ૨૯ જિલ્લાના માત્ર ૧૫૬ તાલુકાઓ માંજ હેત વર્ષાવ્યું છે. સંઘ પ્રદેશના દમણ તથા સેલવાસ ઉપરાંત વલસાડ તથા નવસારી જિલ્લામાં તો મેઘરાજાએ પોતાના રૌદ્ર સ્વરૂપનો પરચો આપ્યો છે.
ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદ મુજબ સૌપ્રથમ દક્ષિણ ગુજરાત પંથકમાં વલસાડ જિલ્લાના તાલુકાઓમાં વલસાડ-૨૭૭ મીમી, પારડી-૨૬૯ મીમી, ધરમપુર-૨૦૧ મીમી, વાપી-૧૯૨ મીમી, કપરાડા-૧૨૪ મીમી અને ઉમરગામ-૮૧ મીમી, તો ડાંગ જિલ્લાના તાલુકાઓમાં વધઇ-૨૦ મીમી વરસાદ નોંધાયો છે.
નવસારી જિલ્લાના તાલુકાઓમાં ચીખલી-૨૫૩ મીમી, ગણદેવી-૨૦૧ મીમી, ખેરગામ-૧૮૪ મીમી, જલાજપોર-૭૮ મીમી, નવસારી-૭૫ મીમી અને વાંસદા-૧૬ મીમી તો સુરત જિલ્લાના તાલુકાઓમાં માંડવી-૭૪ મીમી, બારડોલી-૭૩ મીમી, માંગરોળ-૬૨ મીમી, પલસાણા-૬૧ મીમી, મહુવા-૫૨ મીમી, ચોર્યાસી-૩૦ મીમી, કામરેજ-૨૪ મીમી, અને સુરત સીટી-૨૩ મીમી વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના તાલુકાઓમાં વાલોડ-૬૦ મીમી, ડોલવણ-૩૩ મીમી, સોનગઠ-૨૮ મીમી, અને વ્યારા-૨૦ તો નર્મદા જિલ્લાના તાલુકાઓમાં સાગબારા-૧૬ મીમી અને નાંદોદ-૧૩ મીમી તો ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં વાલીઆ-૨૯ મીમી, જગડીઆ-૧૯ મીમી અને જંબુસર-૧૫ મીમી વરસાદ નોંધાયો છે.
પુર્વ-મધ્ય વિસ્તારમાં અમદાવાદ જિલ્લાના તાલુકાઓમાં ધોલેરા-૨૪ મીમી, ધંધુકા-૧૭ મીમી, અને માંડલ-૧૬ મીમી, અમદાવાદ શહેર પપ મીમી તો વડોદરા જિલ્લાના તાલુકાઓમાં ડભોઇ-૬૫ મીમી અને વાધોડીયા ૧૭મીમી તો છોટાઉદેપુર જિલ્લાના તાલુકાઓમાં સંખેડા-૨૮ મીમી તો પંચમહાલ જિલ્લાના તાલુકાઓમાં હાલોલ-૧૮ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ વિસ્તારને જોઇએ તો અંજાર-૬૫ મીમી, ગાંધીધામ- રાપર-૪૨-૪૨ મીમી, માંડવી-૨૭ મીમી, નખત્રાણા-૧૯ મીમી, મુંદરા-૧૬ મીમી, ભચાઉ-૧૪ મીમી અને લખપત-૧૩ મીમી વરસાદ નોંધાયો છે. સવારે ૧૦ કલાકે વાપી,પારડી, ઉમરગામ, વલસાડ સહિતના વિસ્તારોમાં ઘેરાયેલા વાતાવરણ વચ્ચે મેઘમહેર ચાલું છે. સુરતમાં આખી રાત ધીમી ધારે વરસેલો વરસાદ સવારે અચાનક તૂટી પડતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. શહેરમાં ૪ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના ગણદેવીમાં સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૧૧ ઈંચ, ચીખલીમાં ૧૨ ઈંચ, ખેરગામમાં ૧૦ ઈંચ વરસાદ નોંધાયો છે અને ક્યાંક વરસાદનું જોર જારી હોવાથી આંકડો હજી વધી શકે છે.

ભારે વરસાદને પગલે મુંબઈ તરફનો ટ્રેન વ્યવહાર ખોરવાયો
(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૮
વલસાડમાં અતિ ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પર પુરના પાણી ફરી વળતાં મુંબઈ અને વડોદરા વચ્ચેના ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી. રેલવે સત્તાવાળાઓ દ્વારા પાંચ ટ્રેનો રદ અને બે ટ્રેનો નિશ્ચિત સ્થળ સુધી રદ કરવામાં આવી હતી. જેમાં સુરત મુંબઈ એક્સપ્રેસ, મુંબઈ સુરત એક્સપ્રેસ, વાપી-મુંબઈ એક્સપ્રેસ અને મુંબઈ વાપી એક્સપ્રેસ તથા બાંદ્રા સુરત એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી હતી. જ્યારે વિરાટ ભરૂચ પેસેન્જરને દહાણું રોડ સુધી દોડાવવામાં આવશે તથા વલસાડ વિરમગામ પેસેન્જર ટ્રેનને બિલિમોરા સુધી દોડાવવામાં આવશે. મુંબઈ અમદાવાદ દુરન્તો એક્સપ્રેસ પુણે અમદાવાદ દૂરન્તો એક્સપ્રેસ ચાર કલાક વિલંબથી દોડાવવામાં આવી હતી. તેવી જ રીતે બેંગ્લોર ભગત કી કોઠી એક્સ્પ્રેસ પાંચ કલાક અને ૨૦ મીનીટ વિલંબથી દોડશે. તદૂઉપરાંત ગુજરાતમેલ પણ બે કલાકનાં વિલંબથી દોડાવવામા આવ્યો હતો. પરિણામે અમદાવાદ અને વડોદરા રેલવે સ્ટેશનેથી સુરત, ભરૂચ, વાપી તરફ અપડાઉન કરનાર સેંકડો મુસાફરો અટવાઈ ગયા હતાં. મુંબઈ જવા ઈચ્છુક મુસાફરો અટવાઈ જતા રેલવેસ્ટેશન મુસાફરોથી ઉભરાયા હતા. પશ્ચિમ રેલવે સત્તાધીશો દ્વારા રેલવે ટ્રેક પરથી પુરના પાણી ઓસરી જતાં સવારનાસમયે બંને ટ્રેક પરથી ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ગણદેવીના ર૦થી વધુ ગામો
સંપર્ક વિહોણા : તંત્ર દોડ્યું

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનું ધ્રોલ ગામ વરસાદી કહેરને પગલે બેટમાં ફેરવાઇ ગયું હતું. સર્વત્ર જળબંબાકાર અને કેડસમા પાણી ભરાઇ ગયા હતા. સ્થાનિક ગ્રામજનોથી માંડી પશુધન મોટાપાયે ફસાઇ ગયા હતા. અંબિકા નદીમાં પણ વરસાદી નીરની જોરદાર આવક થતાં પૂરના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા હતા. તંત્રએ સંપર્કવિહાણાં ગામના સતત સંપર્કમાં રહેવાના પ્રયાસો મોડી રાત સુધી ચાલુ રાખ્યા હતા. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આજે આભ ફાટતાં સર્વત્ર જળપ્રલય અને જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જેના પરિણાસ્વરૂપે, ગણદેવી તાલુકાના ૨૦થી વધુ સંપર્કવિહોણાં બન્યા હતા. આ ગામોના રસ્તાઓ અને કેડીઓ પાણીમાં ડૂબી જવાથી મુખ્ય જનજીવનથી આ ગામો સંપર્કવિહોણાં બન્યા હતા. અસરગ્રસ્ત લોકોને બચાવવા અને રાહત-બચાવની મદદ માટે તંત્રના માણસો કામે લાગ્યા હતા.

રાજ્યના પાંચ સ્ટેટ સહિત ૧૧૦ ધોરીમાર્ગો
બંધ થતાં પરિવહન સેવા ખોરવાઈ ગઈ

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત સહિતના પંથકોમાં આજે આભ ફાટતાં જબરદસ્ત મેઘતાંડવ સર્જાયું હતું. વરસાદી મેઘતાંડવને પગલે આ પંથકોના વિસ્તારો ખાસ કરીને તમામ રોડ, રસ્તાઓ, જાહેરમાર્ગો અને રાજય ધોરી માર્ગો ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પરિણામે રાજ્યમાં આશરે ૧૧૦ ધોરીમાર્ગો તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા હતા. જેમાં પાંચ સ્ટેટ હાઇવેનો પણ સમાવેશ થાય છે. કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લાના એક એક અને વલસાડના બે મળી પાંચ સ્ટેટ હાઇવે સહિતના ૧૧૦ ધોરીમાર્ગો બંધ થવાના કારણે આજે એસટી બસ સેવા તેમ જ ખાનગી ટ્રાવેલ્સની સેવાઓ ખોરવાઇ હતી પરિણામે, લોકો હાલાકીમાં મૂકાયા હતા. તો બીજીબાજુ, પાણી ભરાયેલા કોઝ વે કે ધોરીમાર્ગો પર પસાર થવાનો પ્રયાસ કરનાર વાહનચાલકોને અકસ્માત અને વાહન સાથે પડવાના કિસ્સાઓ પણ નોંધાયા હતા. રાજયભરમાં આજે વરસાદી કહેરની સૌથી વધુ અસર વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના પંથકોમાં જોવા મળી હતી. આ જિલ્લાઓમાં નદી-નાળા અને તળાવો છલકાયા હતા. વરસાદી પૂરના પાણી રસ્તાઓ, કોઝ વે, ધોરીમાર્ગો તેમ જ સ્ટેટ હાઇવે પર ફરી વળ્યા હતા. પ્રજાજનોની સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા આ ધોરીમાર્ગો બંધ કરવાનો નિર્ણય લઇ આ જિલ્લાઓ અને રૂટ પરથી પસાર થતી એસટી બસ સેવા અને રેલ્વે સેવા બંધ કરવામાં આવી હતી અને ડાયવર્ટ કરવામાં આવી હતી.
મોરબીના ટંકારામાં પુનઃ તોફાની વરસાદ : ચાર કલાકમાં ૧ર ઈંચ

દક્ષિણ ગુજરાત ઉપરાંત કચ્છ-સૌરાષ્ટ્ર પંથકના વિસ્તારોમાં પણ જોરદાર વરસાદી મહેર ચાલુ રહેવા પામી હતી. મોરબીના ટંકારામાં આજે વહેલી સવારથી શરૂ થયેલા તોફાની વરસાદે માત્ર ત્રણથી ચાર કલાકમાં જાણે બારે મેઘ ખાંગા કરી દીધા હતા. ટંકારાના હરબટીયાળી, મીતાણા, હરીપર, છતર, વાછકપર, સરાયા, બંગાવડી, ખાખરા, ઓટાળા, દેવળિયા સહિતના ૧૫ ગામોમાં ૧૨ ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતાં ટંકારા આખુંય જાણે ફરી એકવાર બેટમાં ફેરવાયું હતું. રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના સૌરાષ્ટ્રના પંથકો અને કચ્છના રાપર, લખતર સહિતના ઘણા વિસ્તારોમાં આજે મેઘરાજાની અમીવર્ષા થઇ હતી. જામનગરમાં પણ ધ્રોલ, જોડિયા, કાલાવડ સહિતના પંથકોમાં જોરદાર વરસાદ નોંધાયો હતો. વરસાદી મેઘતાંડવ અને જળપ્રલયની સ્થિતિ બાદ ઠેર-ઠેર તબાહી અને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, સામાન્ય માણસથી લઇ ઢોરઢાંખર અને મૂંગા અબોલ પશુઓની હાલત પણ કફોડી અને દયનીય બની રહી છે. છેલ્લા ત્રણ દિવસના મેઘતાંડવમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સેંકડો પશુઓ તણાયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks