(એજન્સી) જલગાંવ,તા.૧પ
કૂવામાં ન્હાવા પડેલા ત્રણ દલિત યુવકોને બહાર કાઢી પટ્ટા વડે મારપીટ કરી નગ્ન પરેડ કરાવાઈ હોવાની ઘટના જલગાંવ જિલ્લાના એક ગામમાં બની હતી. આ ઘટના ૧૦ જૂને બની હતી પરંતુ તે જ્યારે ઘટનાનો વીડિયો વાયરલ થયો ત્યારે તંત્ર હરકતમાં આવ્યું હતું. જલગાંવના વકાડી ગામમાં આ ઘટના બની હતી. મહારાષ્ટ્રના સામાજિક ન્યાયમંત્રી દિલીપ કાંબલેએ આ ઘટનાને વખોડી નાખી કહ્યું કે આ સંદર્ભમાં બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી. કેન્દ્રીય મંત્રી આઠવલેએ પણ ઘટનાને વખોડી કાઢી આરોપીઓ સામે સખત પગલાં લેવાની માગ કરી હતી. જ્યારે સ્થાનિક લોકોએ આ ઘટના અંગે જણાવ્યુંં ત્યારે કૂવા પાસે એકઠા થયા હતા અને ત્રણ યુવકોને બહાર ખેંચી કાઢી માર મારી નગ્ન પરેડ કરાવી હતી. ત્રણે યુવકોને નગ્ન અવસ્થામાં ગામમાં ફેરવવામાં આવ્યા હતા અને રૂમ બહાર રાખી મારઝૂડ કરાઈ હતી. આરોપીઓ પર ફરિયાદ પાછી ખેંચવાનું દબાણ થઈ રહ્યું છે. ત્રણ દલિતોની મારઝૂડ અંગે દલિત નેતાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પૂર્વ મંત્રી એકનાથ ખડસે, જીજ્ઞેશ મેવાણીએ આરોપીઓ સામે એસટી/ એસસી એકટ હેઠળ ગુનો દાખલ કરવા જણાવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.