અમદાવાદ, તા.૫
અમદાવાદ શહેરમાં આ સીઝનમા પડેલા ભારે વરસાદને પરિણામે ઠેર-ઠેર રસ્તાઓ ઉપર કાંકરીઓ ઉડી રહી છે ખાડાઓ પડી ગયા છે આ પાછળ રૂપિયા ૪૫૦ કરોડનુ રોડ બનાવવાનુ મસમોટુ કૌભાંડ કારણભૂત હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે જો કે આ બનાવને બે માસ વીતી જવા છતાં હજુ સુધી એક પણ મ્યુનિસિપલ અધિકારીને આ મામલે દોષિત ઠેરવીને શો-કોઝ નોટિસ સુધ્ધા આપવામા આવી નથી.અમદાવાદ શહેરમા છેલ્લા બે માસથી તુટેલા રસ્તાઓને લઈને શહેરીજનો હેરાનપરેશાન થઈ રહ્યા છે.અકસ્માતોની સંખ્યામા પણ ઉત્તરોત્તર વધારો થયેલો જોવા મળી રહ્યો છે આ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ રોડ બનાવનારા કોન્ટ્રાકટરો સાથે પાડેલો ખેલ જવાબદાર હોવાનુ બહાર આવવા પામ્યુ છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના એક સિનીયર અધિકારીના કહેવા મુજબ,અમદાવાદ શહેરમા છેલ્લા ત્રણ વર્ષમા જેટલા પણ નવા રસ્તા બનાવવામા આવ્યા છે તેમા નિયમ પ્રમાણે માલનો વપરાશ કરવામા આવ્યો જ નથી આ ઉપરાંત રોડ બનાવતી વખતે બાઈન્ડર તરીકે ઉપયોગમા લેવામા આવતા ડામરનો ગ્રેડ અથવા રેશીયો ૬૦ થી ૭૦ ટકા હોવો જોઈએ જે પણ જાળવવામા આવ્યો નથી.રોડ બનાવતી વખતે સૌથી મહત્વનુ પાસુ હોટમીકસ પ્લાન્ટનુ તાપમાન હોય છે આ તાપમાન પણ યોગ્ય ન હતુ આ તમામ બેદરકારીઓ વિજિલન્સ દ્વારા કરવામા આવેલી તપાસમા બહાર આવવા પામી છે આમ છતાં આ અહેવાલને હાઈકોર્ટ સમક્ષ ૧૦ સપ્ટેમ્બરના રોજ રજુ કરવાનો છે એવુ બહાનુ આગળ ધરીને અગાઉ રોડ પ્રોજેકટનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકરે ૨૯ ઓગસ્ટના રોજ મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્યસભામા ગૃહને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો હતો જેમા તેમને સફળતા પણ મળી હતી.સૂત્રોના કહેવા મુજબ,સૌથી મોટુ આશ્ચર્ય તો એ વાતનુ છે કે,બે માસ પછી પણ હજુ સુધી એક પણ રોડ વિભાગ સાથે ફરજ બજાવતા અધિકારીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા શો-કોઝ નોટિસ સુધ્ધા બજાવવામા આવી નથી.દિવાળી અગાઉ શહેરના તમામ રસ્તા રીસરફેસ કરવા અશકય હોવાનુ પણ સૂત્રોએ કહ્યુ છે.
વડાપ્રધાનના રૂટ પરના તમામ રસ્તાઓ ત્વરિત રિસરફેસ કરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા યાત્રાના સમાપન અને તેમના જન્મદિન નિમિત્તે રાજયની મુલાકાતે આવી રહ્યા છે તે અગાઉ અમદાવાદ શહેરના પશ્ચિમ તેમજ નવા પશ્ચિમઝોન સહિત ઉત્તરઝોનમા એરપોર્ટ સર્કલથી શાહીબાગ અંડરબ્રિજ સુધીના રસ્તાને ઝડપથી રીસરફેસ કરવા મ્યુનિસિપલ કમિશનરે તેમના તાબા હેઠળના અધિકારીઓને ખાસ આદેશ કર્યા છે.આ ઉપરાંત વડાપ્રધાનનો કાફલો શહેરના જે જે રસ્તા ઉપરથી પસાર થવાનો છે એ તમામ રસ્તાઓ ઉપર કોઈ પ્રકારના દબાણો જોવા ન મળે એ પ્રકારેનો પણ મ્યુનિસિપલ કમિશનરે આદેશ કરતા દબાણો હટાવાઈ રહ્યા છે.સાથે જ જુના એલિસપુલને નવા રંગરોગાન કરવામા આવી રહ્યા છે.