કુમારસ્વામીની ‘ઝેર પી રહ્યા’ની ટિપ્પણી બાદ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલમાં જોડાઇ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬
કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનમાં મુખ્યમંત્રી તરીકે ઝેર પી રહ્યા હોવાના નિવેદન બાદ ડેપ્યુટી સીએમ જી પરમેશ્વરે ડેમેજ કંટ્રોલના પ્રયાસ આદર્યા હતા.કુમારસ્વામીએ રવિવારે કહ્યું હતું કે, તેઓના પાર્ટી કાર્યકરો ખુશ છે પરંતુ તેઓ ખુશ નથી. ‘તમારો ભાઇ મુખ્યમંત્રી બન્યો તેથી તમે ખુશ છો પણ હું ખુશ નથી’ મને વિષકંઠ જેવું દર્દ છે. હું કોઇને આકર્ષિત થવા માટે મુખ્યમંત્રી બન્યો નથી પણ મારા પિતાના અધૂરા એજન્ડાને પૂરો કરવા માટે મુખ્યમંત્રી બન્યો છું. મે માસમાં ખેડૂતોની લોન માફી મુદ્દે તેમણે લીધેલા નિર્ણય પછીથી તેઓ દબાણમાં છે. પાંચમી જુલાઇ રજૂ કરેલા બજેટ બાદ તેઓ સતત ટીકાઓનો સામનો કરી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસના નેતા એચકે પાટિલે કુમારસ્વામીને લખ્યું હતુ કે, બજેટમાં લઘુમતી સમુદાયો માટે કોઇ નવી યોજના નથી અને રાજ્યના ઉત્તર પ્રાંત માટે પણ કોઇ યોજના નથી. પરમેશ્વરાએ કહ્યું હતું કે, કુમારસ્વામીના નિવેદનને વધુ પડતો લેવો જોઇએ નહીં, અને મુખ્યમંત્રીએ ખુશ રહેવુંં જોઇએ. જો તેઓ ખુશ રહેશે તો અમે બધા ખુશ રહીશું. દરમિયાન કર્ણાટકના ઉપમુખ્યમંત્રી પરમેશ્વર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ૧૮મી જુલાઇએ મુલાકાત કરી મંત્રીમંડળમાં વિસ્તરણ મુદ્દે ચર્ચા કરશે. તેમણે કહ્યું કે, હું, પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયા અને મંત્રી ડીકે શિવકુમાર દિલ્હી જશે અને મંત્રીમંડળમાં વિસ્તરણ મુદ્દે ચર્ચા કરશે તથા વિવિધ બોર્ડ અને નિગમોના પ્રમુખોની નિમણૂંક અંગે પણ વાત કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts