જામનગર, તા. ર૧
જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી પ્રી-મોન્સુન કામગીરીમાં લોલમલોલ ચાલતું હોવાનો આક્ષેપ મહાનગરપાલિકાના વિરોધપક્ષના દંડક શીતલબેન વાઘેલાએ એક નિવેદનમાં કર્યો છે.તેમણે મ્યુનિ. કમિશ્નરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ૪૯-દિ.પ્લોટવાળી કેનાલમાં કોઈ સફાઈ કામગીરી થઈ નથી. આ કામગીરીમાં માત્ર કાગળ ઉપર દર્શાવી મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે.
૪૯-દિ.પ્લોટની કેનાલમાં હાલમાં કચરો અને ગંદકી ભરાયેલા છે. ચોમાસામાં વરસાદ પડશે ત્યારે કેનાલમાં પાણ આવશે ત્યારે શું હાલત થશે તે ગંભીર પ્રશ્ન છે.
પ્રી-મોન્સુન કામગીરીમાં કેશલોન સફાઈ માટે ટેન્ડર પ્રક્રિયા કરી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને ટેન્ડરની શરતો પ્રમાણે આ કામગીરી મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી કે સુપરવાઈઝરના ઈન્સ્પેકશન અને દેખરેખ હેઠળ કરવાની હોય છે. તેમ છતાં દર વર્ષે કેનાલોની સંપૂર્ણ સફાઈ થતી નથી. માત્રને માત્ર આ કામગીરી પૂર્ણ થયાનું કાગળ પર દર્શાવી બીલો મંજૂર કરાવી લેવામાં આવે છે.
પ્રી-મોન્સુન કામગીરી અંગે થતી નબળી કામગીર, ભ્રષ્ટાચાર વગેરે અંગે તપાસ કરી સત્વરે કડક અને યોગ્ય પગલાં લેવા તેમણે માંગણી કરી છે.