Site icon Gujarat Today

‘દરેક કાશ્મીરીને ગળે લગાવો’ : કાશ્મીરમાં લોકડાઉનના ૪૫મા દિવસે મોદીએ કહ્યું

(એજન્સી) નાસિક, તા.૧૯
મહારાષ્ટ્ર વિધાનસભાની આવતા મહિને યોજાનારી ચૂંટણીઓ માટે ભાજપના ચૂંટણી પ્રચારની નાસિકમાં શરૂઆત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં લોકડાઉનના ૪૫મા દિવસે જણાવ્યું કે ‘આપણે નવું સ્વર્ગ બનાવવાનું છે’ અને ‘દરેક કાશ્મીરીને ગળે લગાવો’. જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ સરકાર દ્વારા રદ કરવામાં આવી ત્યારથી રાજ્યમાં લોકડાઉન છે. લોકોની અવરજવર પર પણ કડક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે જ્યારે ટેલિફોન અને ઇન્ટરનેટ સેવાઓ પણ ખોરવાઇ ગઇ છે. તેમણે એવું પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં હિંસા ભડકાવવાના સરહદ પારથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુરવારે નાસિકમાં યોજાયેલી એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કલમ ૩૭૦ રદ કરવાના સરકારના પગલાનો બચાવ કરતા જણાવ્યું કે આ નિર્ણય જમ્મુ અને કાશ્મીરના લોકોના સ્વપ્ન સાકાર કરવા અને મહત્વાકાંક્ષાઓ પુરી કરવાનું માધ્યમ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમ કહેતા પણ ટાંકવામાં આવ્યા છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની સમસ્યાઓ દૂર કરવા માટે અમે નવા પ્રયાસો કરીશું. તેમણે એવું પણ કહ્યું કે આજે હું સંતોષજનક રીતે કહી શકું છું કે દેશે એ સ્વપ્નો સાકાર કરવાની દિશામાં આગળ વધવાનું શરૂ કરી દીધું છે. જ્યારે આ બાબતથી વિપરીત રોઇટર્સના અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું છે કે કાશ્મીરના વેપારીઓ કહી રહ્યા છે કે ગત પાંચમી ઓગસ્ટે લોકડાઉનની શરૂઆત થઇ ત્યારથી ટુરિઝ્‌મ, ફલો અને હસ્તકલા જેવા તેના અર્થતંત્રના મહત્વના સેક્ટર્સ પર માઠી અસર પડી છે.

Exit mobile version