(સંવાદદાતા દ્વારા) વેરાવળ, તા.ર૭
વેરાવળ-જૂનાગઢ રોડ પર ડારી નજીક આવેલ ટોલબુથ કાર્યરત થયેલ ત્યારથી જ અવાર-નવાર વિવાદોમાં સપડાતો રહેલ છે અને ટોલબુથ પર બળજબરીથી વસૂલાત કરાતી હોવાની અને દાદાગીરી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે અને છાશવારે ટોલબુથ પર અનેક માથાકુટો પણ થયેલી છે જે અંગે અનેક ફરિયાદ પ્રભાસ પાટણ પોલીસમાં નોંધાયેલ છે ત્યારે ગત તા.રપના રવિવારે સાંજના સમયે એક ધારાસભ્યની ગાડીને રોકાવી ટોલ અંગે માથાકુટ થયેલ જેમાં ટોલ કર્મચારીઓ દ્વારા દાદાગીરી થયેલ હતી ત્યારબાદ આ બનાવ અંગે ગત રાત્રિના સાડા દસ વાગ્યા આસપાસ ફરી આ ટોલબૂથ ઉપર દસેક જેટલી મોટરકારમાં અજાણ્યા માણસોનું ટોળું ધસી આવેલ અને ટોલબુથ ઉપર તોડફોડ મચાવેલ હતી. આ બનાવ અંગે પ્રભાસ પાટણ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોમનાથ-જેતપુર હાઈવે રોડ ઉપર આવેલા બે ટોલનાકા પૈકી વેરાવળ નજીકના ડારી ગામે આવેલ ટોલ પ્લાઝામાં ગત રાત્રિના સાડા દસ વાગ્યા આસપાસ ૧ર જેટલી મોટરકારમાં ૧પ જેટલા અજાણ્યા શખ્સો આવી લાકડી, હોકી,ધોકા સહિતના હથિયારો વડે ટોલ પ્લાઝાની કેબિનોના કાચ તોડી ચાર જેટલા કોમ્પ્યુટરની સિસ્ટમને તોડી નાંખી નુકસાન કરેલ હોવાની ફરિયાદ ટોલનાકાના અધિકારી અનીલ રામ અવતાર શર્મા (ઉ.વ.૩૭) એ પ્રભાસ પાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ કેઆઈ મેદ્યનાથીએ હાથ ધરેલ છે. નોંધનીય છે કે ટોલબુથના કર્મચારીઓ, અધિકારીઓની અને દાદાગીરીની વ્યાપક ફરિયાદો વચ્ચે અવાર-નવાર કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય છે ત્યારે ટોલબુથ પરના અધિકારીઓ, કર્મચારીઓ કાયદાની મર્યાદામાં રહી કામગીરી કરે તેવી માંગ ઉઠેલ છે.