અમદાવાદ, તા.૨૨
સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડિયા (કમ્યુનિસ્ટ) એસયુસીઆઈ(સી) સરકારના પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાના નકાર માટેના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું. રાજ્ય સરકાર ધારે તો પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડીને સામાન્ય જનતાને બળબળતી મોંઘવારીમાં રાહત આપી શકે તેમ છે છતાં દારૂબંધીનું બહાનું કાઢીને સરકાર લોકોની આંખોમાં ધૂળ નાખવા માગે છે. અમે આ તબક્કે સરકારને એ વાતની યાદ દેવડાવવા માગીએ છીએ કે, રાજ્યમાં દારૂબંધીના અમલ માટે રાજ્યના સ્થાપના કાળથી-શરૂઆતથી જ ઊંચા કરવેરાનું માળખુ ગોઠવાયેલું છે. એટલે એના કરવેરાની ખોટની વાત કરીને લોકોને છેતરવાનું બંધ કરો એમ જણાવી હકીકતમાં રાજ્યમાં દારૂબંધીના કડક અમલ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત વચ્ચે કોઈ વિરોધાભાસ નથી ત્યારે પેટ્રોલ-ડીઝલ ઉપરનો રાજ્યનો વેરો ઘટાડીને જનતાને રાહત આપવા એસયુસીઆઈ(સી)એ માગ કરી છે એમ પક્ષના સેક્રેટરી દ્વારિકાનાથ રથે એક યાદીમાં જણાવ્યું છે.