વાઘોડિયાના ઝવેરપુરા ગામે મહિલાઓની દારૂની ભઠ્ઠીઓ પર રેડ

(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૧૦
રાજ્યમાં ભલે દારૂબંધી હોય પરંતુ વડોદરાની પોલીસ દારૂના વેપલાને રોકવામાં નિષ્ફળ રહી છે. ત્યારે વાઘોડીયા તાલુકાના ઝવેરપુરા ગામે દારૂની બદીથી પરેશાન મહિલાઓને રણચંડી બની દારૂની ભઠ્ઠીઓની તોડફોડ કરી હતી.
તાજેતરમાં અમદાવાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને પગલે સમગ્ર રાજ્યમાં ભારે હોબાળો મચ્યો હતો. તેમ છતાં જાણે વડોદરાની પોલીસ હજી ઘોર નિંદ્રામાં જણાઇ રહી છે. સોમવારે વડોદરાના વાઘોડીયા તાલુકાના ઝવેરપુરા ગામે મહિલાઓ રણચંડી બની હતી. ગામમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની સાથે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાથી યુવાધન બદીમાં સપડાયું છે. જેના કારણે ગામની મહિલાઓએ ગામમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ કરી હતી.
૫૦થી વધુ મહિલાઓના ટોળાએ દારૂની ભઠ્ઠીઓ પર પહોંચી દારૂ બનાવવાની સામગ્રીનો નાશ કર્યો હતો. અને સ્થળથી મળી આવેલ દેશી દારૂનો નાશ કર્યો હતો. ઝવેરપુરા ગામે મહિલાઓએ દારૂની ભઠ્ઠીઓ પર કરેલી જનતા રેડની જાણકારી પોલીસને મળતા પોલીસે સ્થળ પર દોડી આવી હતી. જોકે પોલીસે જો આ કામગીરી કરી હોત. તો પ્રજાને આજે આ પગલું ભરવું ન પડત તેવી ભારે ચર્ચા વિસ્તારમાં ફેલાઇ છે. વાઘોડીયાના ઝવેરપુરામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની સાથે વેચાણ પણ થતું હોવા છતાં પોલીસ નિષક્રીય જણાતા તેઓની સામે કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts