(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
કોંગ્રેસે શનિવારે નરેન્દ્ર મોદી સરકારને તે સ્પષ્ટ કરવાની માંગ કરી છે કે, ડોન દાઉદ ઈબ્રાહીમની પત્ની મહેજબીન શેખ ગત વર્ષે જ્યારે પોતાના પિતાને મળવા મુંબઈ આવી હતી ત્યારે તેમની સરકારને તેની જાણ કેમ ન થઈ. કોંગ્રેસે કહ્યું કે તેનાથી કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારની સાથે સાથે રાજ્ય અને કેન્દ્રની સુરક્ષા એજન્સીઓની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નો ઊભા થયા છે. કોંગ્રેસ નેતા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે ઈબ્રાહીમની પત્ની મહેજબીન શેખ ર૦૧૬માં પોતાના પિતાને મળવા મુંબઈ આવી હતી અને મોદી સરકાર ઊંઘતી રહી. સુરજેવાલાની આ ટિપ્પણી દાઉદના ભાઈ ઈકબાલ ઈબ્રાહીમ કાસકર દ્વારા તપાસકર્તાઓને તે જણાવ્યાના એક દિવસ બાદ આવી છે કે તેની ભાભી મહેજબીન શેખ ર૦૧૬માં પોતાના પિતા સલીમ કાશ્મીરીને મળવા આવી હતી અને પછી ચુપચાપ પરત ફરી હતી. સરકારની તપાસ એજન્સીઓ પર નિશાન સાધતા સુરજેવાલે પ્રશ્ન ઉઠાવ્યા કે સીબીઆઈ શું કરી રહી હતી ? રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) શું કરી રહ્યું હતું ? સુરજેવાલે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અનેક આતંકવાદી ઘટનાઓ પાછળ જેનો હાથ હતો તેવા અપરાધીની પત્ની પોતાના પિતાને મળવા ભારત આવે છે અને પરત પણ જાય છે. તેની ધરપકડ કેમ ન કરવામાં આવી ? તેની વિરૂદ્ધ કોઈ પગલાં કેમ લેવામાં ન આવ્યા ? તેમણે કહ્યું કે ચોંકાવનારો ખુલાસો મુંબઈની થાણે પોલીસે કર્યો છે. તેમણે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી નિર્મલા સીતારામન અને ગૃહમંત્રી રાજનાથસિંઘે આ અંગે ચોક્કસપણે જવાબ આપવો જોઈએ. પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માના નેતૃત્વ હેઠળની થાણે એન્ટી-એકસટોર્શન સેલની એક ટીમે મંગળવારે ખંડણીના કેસમાં ઈકબાલની તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રાજીવ શુક્લાએ આ મામલાને ગંભીર ગણાવતા કહ્યું કે આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્રીય તપાસ એજન્સીઓની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નો ઊભા થાય છે. તેમણે પૂછયું કે દાઉદની પત્ની મહેજબીન શેખ ર૦૧૬માં ૧પ દિવસ માટે ભારત આવી હતી ત્યારે મુંબઈ પોલીસ શું કરી રહી હતી ? કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર શું કરી રહી હતી ? અન્ય એજન્સીઓ શું કરી રહી હતી ? શુક્લાએ કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે. આ મુદ્દો ‘દીવા તળે અંધારું’ જેવો છે. રાજ્ય સરકાર, મુંબઈ પોલીસ અને તમામ કેન્દ્રીય એજન્સીઓએ જવાબ આપવો જોઈએ કે આ કેવી રીતે બન્યું કારણ કે તેનાથી તેમની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થાય છે.