National

PM મોદીના INS વિરાટ અંગેના દાવા પાયાવિહોણા : ભારતીય નેવીના બે પૂર્વ અધ્યક્ષ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
એવો ક્યારેક જ દિવસ જતો હશે જ્યારે વડાપ્રધાન મોદીના જુઠ્ઠાણાનો પર્દાફાશ થતો ન હોય. આ વખતે તો પીએમ મોદીએ હદ કરી નાખી જ્યારે તેમણે દાવો કર્યો કે, પૂર્વ વડાપ્રધાન દિવંગત રાજીવ ગાંધીએ પોતાના પરિવાર સાથે ૧૯૮૭માં પિકનિક પર જવા માટે નેવીના યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટનો ઉપયોગ કર્યો હતો. મોદીએ એવો પણ દાવો કર્યો હતો કે, રાજીવ ગાંધી સાથે આ પિકનિક પર ઇટાલીથી આવેલા તેમના સાસરીના લોકો પણ હતા અને આ દરમિયાન નેવીના સ્ટાફને તેમના આવકાર માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે વખતે યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટનું નેતૃત્વ કરી રહેલા રિટાયર્ડ વાઇસ એડમિરલ વિનોદ પસરિચાએ પીએમ મોદીના આ દાવાઓને ફગાવ્યા છે. તેમણે કહ્યું કે, ત્યાં ગાંધી પરિવાર ઉપરાંત અન્ય કોઇ હાજર ન હતા. તેમણે પીએમ મોદીના દાવાને જુઠ્ઠો ગણાવ્યો છે.
એક સમાચાર ચેનલ સાથે વાત કરતા રિટાયર્ડ વાઇસ એડમિરલ પસરિચાએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટરનો ઉપયોગ પણ ફક્ત રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવ્યો હતો. તેમાં રાહુલ ગાંધી ન હતા. તેમણે કહ્યું કે, ત્યારના વડાપ્રધાન રાજીવ ગાંધી એક સત્તાવાર પ્રવાસમાં ત્રિવેન્દ્રમ ગયા હતા. જ્યાં તેઓ રાષ્ટ્રીય રમતોના વિજેતાઓને પુરસ્કાર આપવા માટે મુખ્ય મહેમાન તરીકે ગયા હતા. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાને ત્યાંથી સત્તાવાર પ્રવાસમાં લક્ષ્યદ્વીપ જવાનું હતું. તેઓ લક્ષ્યદ્વીપ વિકાસ સમિતિની બેઠકમાં ભાગ લેવાના હતા. આવી બેઠકો એક પછી એક લક્ષ્યદ્વીપ અને અંદમાન નિકોબારમાં આયોજિત કરાય છે. આ વખતે બેઠક લક્ષ્યદ્વીપમાં હતી. પસરિચાએ કહ્યું કે, વડાપ્રધાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી ત્રિવેન્દ્રમથી આઇએનએસમાં બેઠા હતા મેંગ્લોરથી નહીં. મોદીના દાવાને જુઠ્ઠો સાબિત કરતા પસરિચાએ કહ્યું કે, આઇએનએસ વિરાટ પર ફક્ત આ બે લોકો જ હતા. તેમની સાથે પરિવારનો અન્ય કોઇ સભ્ય કે વિદેશી લોકો ન હતા.
તેમણે એવો પણ દાવો કર્યો કે, ભારતીય નેવીના પશ્ચિમી કાફલાએ પીએમના કાર્યક્રમને નક્કી કરવાથી ઘણા સમય પહેલા પોતાના નેવી અભ્યાસની યોજના બનાવી હતી અને આઇએનએસ વિરાટ નેવી અભ્યાસ મુદ્દે તેમની નજીક જ હતું. ભારતીય નેવીના કોઇ પણ જહાજને વડાપ્રધાન માટે મોકલવામાં આવ્યું ન હતું. જોકે, કોઇ પણ મેડીકલ ઇમરજન્સી માટે હેલિકોપ્ટરને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું હતું. પસરિચા અનુસાર સત્તાવાર કામ સમાપ્ત થયા બાદ રાજીવ ગાંધીએ પોતાના પ્રવાસનો સમય વધાર્યો હતો પણ તેમના વિદેશી સંબંધીઓએ પવનહંસ દ્વારા લક્ષ્યદ્વીપ પહોંચવા માટે ખાનગી હેલિકોપ્ટર સેવાનો ઉપયોગ કર્યો હતો અને તેનું બિલ પણ તેમણે જ ભર્યું હતું. સરકારી ખજાનામાંથી એક પણ રૂપિયાનો ઉપયોગ કરાયો નથી.
વડાપ્રધાન મોદી દ્વારા દિવંગત પૂર્વ પીએમ રાજીવ ગાંધીના આઇએનએસ વિરાટ પર પિકનિક મનાવવાના દાવાને ભારતીય નેવીના બે અન્ય પૂર્વ અધિકારીઓએ પણ ફગાવ્યો છે. તેમણે પણ સ્પષ્ટતા કરી છે કે, રાજીવગાંધી તે સમયે સત્તાવાર પ્રવાસે હતા. તેમની સાથે ત્યારે કોઇ વિદેશી કે મહેમાન અથવા મિત્રો ન હતા. બીજી તરફ એડમિરલ રામદાસે સ્પષ્ટતા કરી છે કે, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી ત્યારે સત્તાવાર રીતે લક્ષ્યદ્વીપ ગયા હતા. તેમના અંગત ઉપયોગ માટે કોઇ પાણીનો જહાજ ઉપયોગમાં લેવાયો ન હતો. તેઓ એક હેલિકોપ્ટર દ્વારા કોઇ દ્વીપ પર ગયા હતા. બોર્ડ પર ત્યારે કોઇ વિદેશી ન હતા.