અમદાવાદ, તા.૧૧
અમદાવાદ શહેરમાં જુલાઈ માસમા વરસેલા ભારે વરસાદ બાદ શહેરમાં વિવિધ વિસ્તારોમા કરવામા આવી રહેલી સફાઈ અંગેના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવાઓથી વિપરીત શહેરના અનેક વિસ્તારો ખાસ કરીને પશ્ચિમ અને નવા પશ્ચિમઝોનના વિવિધ વિસ્તારોમાં મચ્છરજન્ય એવા મેલેરીયા,ડેન્ગ્યુ સહીતના રોગના કેસોની સંખ્યા ખુબ ઝડપથી આગળ વધી રહી છે.આ વિસ્તારોમાં જ્યાં લગભગ ઘર દીઠ એકથી બે દર્દીઓ જોવા મળી રહ્યા છે ત્યાં ખાનગી પ્રેકટીસ કરતા તબીબોને ત્યાં દર્દીઓની લાંબી કતાર લાગેલી જોવા મળી રહી છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા જારી કરવામા આવતી યાદીમામ્યુનિસિપલ તંત્ર તરફથી રોજેરોજ વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ કરવામા આવી રહી હોવાના દાવા કરવામા આવી રહ્યા છે આમ છતાં પણ શહેરના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.આ કારણે શહેરના અનેક વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધવા પામતા મેલેરીયા સહીતના અન્ય રોગના કેસમા સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે.આ પરિસ્થિતિમાં શહેરના વિવિધ વિસ્તારોમા મેલેરીયાના કુલ મળીને ૩૬૯ જેટલા કેસ નોંધાવા પામ્યા છે. બીજી તરફ શહેરના પશ્ચિમ અને નવા પશ્ચિમઝોનના વિવિધ વિસ્તારોમાં આવેલા ફલેટ, સોસાયટીઓ કે એપાર્ટમેન્ટમાં આજે પરિસ્થિતિ એવી છે કે,વાઈરલ ફીવરથી લઈને મેલેરીયા અને ડેન્ગ્યુના પણ દર્દીઓ જોવા મળી રહ્યા છે.મ્યુનિસિપલ તંત્ર દ્વારા અમદાવાદ શહેરની ૧૨૯ જેટલી હોસ્પિટલોમાંથી વિવિધ રોગના દર્દીઓની વિગત લેવામા આવતી હોવાના દાવા કરવામાં આવી રહ્યા હોવા છતાં શહેરના પાલડી, નવરંગપુરા, મેમનગર નવા પશ્ચિમઝોનમાં ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયામાં ખાનગી તબીબોને ત્યા સારવાર માટે દર્દીઓની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે.આમ છતાં તંત્ર શહેરમાં રોગચાળાની પરિસ્થિતિ નિયંત્રણમા હોવાનો દાવો કરી રહ્યુ છે.