International

દાયર અલ ઝોરમાં સીરિયન સેના અને ISના આતંકીઓ વચ્ચે અથડામણ : ૭૩નાં મોત

(એજન્સી) તા.૩૦
દાયર અલ ઝોર શહેરમાં સીરિયાની સેના અને ઇસ્લામિક સ્ટેટ સમૂહ વચ્ચે ભીષણ અથડામણમાં ગત ર૪ કલાકમાં લગભગ ૭૩ લડાકુઓનાં મોત થયા છે. આ માહિતી સીરિયન ઓબ્ઝર્વેટરી ઓફ હ્યુમન રાઇટ્‌સે આપી હતી. બ્રિટન સ્થિત હ્યુમન રાઇટ્‌સે કહ્યું કે સીરિયાની સેનાએ દાયર અલ ઝોર પ્રાંતના પાટનગર દાયર અલ ઝોર શહેરના મોટાભાગના વિસ્તારો પર કાબૂ મેળવી લીધો છે અને ગઇકાલે શરૂ થયેલી અથડામણ બાદથી જ સેનાએ વધુ એવા વિસ્તારોને આઇએસના કબજાથી મુક્ત કરાવી લીધા છે. નિરીક્ષક સમૂહના જણાવ્યાનુસાર શનિવારે ભીષણ અથડામણમાં આઇએસના ઓછામાં ઓછા પ૦ લડાકુઓ સહિત લગભગ ર૩ સીરિયન સૈનિકો અને શાસક સર્મથક લશ્કરના સભ્યો મોતને ભેટ્યા હતા. ઓબ્ઝર્વેટરીના નિર્દેશક રામી અબ્દેલ રહેમાને કહ્યું કે સરકારી દળોએ બે નવા વિસ્તારો અને નિગમ સ્ટેડિયમ પર કબજો જમાવી લીધો છે. અબ્દેલ રહેમાને કહ્યું કે આઇએસ હવે શહેર અને નદી વચ્ચેના વિસ્તારોમાં ઘેરાઇ ગયું છે. ત્રણ વર્ષ અગાઉ દાયર અલ ઝોર શહેરના મોટા ભાગ પર આઇએસના આતંકીઓએ કબજો જમાવી લીધો હતો. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં સરકારી સુરક્ષાદળોએ આંતકીઓનો આ ઘેરો તોડી નાખ્યો હતો અને દાયર અલ ઝોરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. અબ્દેલ રહેમાને જણાવ્યું કે શનિવારે શરૂ થયેલી અથડામણ રવિવારે પણ ચાલુ રહી હતી. જોકે રશિયા દ્વારા પણ આ વિસ્તારમાં હવાઇ હુમલા કરવાનું ચાલુ જ છે. ઇરાકની સરહદે આવેલ દાયર અલ ઝોર એ ઓઇલ સમૃદ્ધ વિસ્તાર છે. અહીં આઇએસના આતંકીઓ લાંબા સમયથી કબજો ધરાવે છે.