ગુજરાતના પતંગ ગૃહ ઉદ્યોગમાં મોટાભાગના ગરીબ અને અભણ લોકો જોડાયેલા છે. જેમાં ૮૦ ટકાથી વધુ મહિલાઓ છે. તેવા આ ગૃહઉદ્યોગમાં કોઈપણ પ્રકારની મશીનરીનો ઉપયોગ થતો ન હોવા છતાં જીએસટીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી આ પતંગ ગૃહઉદ્યોગ ‘પતંગ’ કપાવાની કગાર ઉપર છે. ત્યારે ગુજરાત પતંગ ગૃહઉદ્યોગ એસોસિએશન દ્વારા જીએસટીના વિરોધમાં અમદાવાદના લાલદરવાજા સ્થિતિ સરદારબાગ ખાતે દેખાવો કર્યા હતા. જેમાં પતંગના ગૃહઉદ્યોગ સાથે જોડાયેલી મહિલાઓએ જીએસટી હટાવવાનો એક સૂર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ગુજરાતમાં પતંગનો ગૃહઉદ્યોગ બંધ થવાને આરે હતો. ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પતંગ મહોત્સવમાં અંગત રસ લઈને ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. જેના કારણે પતંગ ઉદ્યોગમાં પ્રાણ ફૂંકાયા છે. ત્યારે હવે જીએસટીના લીધે ફરી આ પતંગ ઉદ્યોગ ખતમ થવાની કગાર પર છે. ત્યારે પતંગ ઉદ્યોગમાં પ્રાણ ફૂંકનારા નરેન્દ્ર મોદી પતંગ ઉદ્યોગની હત્યા થતી બચાવે એટલે કે પતંગ ઉદ્યોગનો ‘પતંગ’ આસમાને લઈ જનારા મોદી આ ઉદ્યોગને કપાતો બચાવી લે તેવી માંગણી ઉઠી છે.