(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી)ના આશરે ૯૦૦૦ કર્મચારીઓએ જો પગાર વધારા અને બઢતી સાથે સંબંધિત તેમની માગણીઓ પુરી નહીં થાય તો ૩૦મી જૂનથી હડતાળ પર જવાની ધમકી આપી છે. દિલ્હી મેટ્રોનો સ્ટાફ હડતાળ પર જશે તો, મેટ્રો ટ્રેન સેવાઓ ખોરવાઇ જવાની સંભાવના છે. ડીેએમઆરસી સ્ટાફ કાઉન્સિલનો એક વર્ગ યમુના બેંક અને શાહદરા મેટ્રો સ્ટેશનો ખાતે ૧૯મી જૂનથી દેખાવો કરી રહ્યો છે.
દિલ્હી મેટ્રોના સ્ટાફની માગણીઓ ૨૯મી જૂન સુધી પુરી કરવામાં નહીં આવે તો આંદોલન ઉગ્ર બનાવવાની સ્ટાફે ધમકી આપી હોવાની પુષ્ટિ કરતા ડીએમઆરસી સ્ટાફ કાઉન્સિલે જણાવ્યું કે દિલ્હી મેટ્રો સત્તાવાળાઓ અને કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રાલયને માગણીઓ મોકલી દેવામાં આવી છે અને તેમની ફરિયાદોનો નિકાલ કરવાની માગણી કરવામાં આવી છે. કાઉન્સિલના સેક્રેટરી રવિ ભારદ્વાજે જણાવ્યું કે અમારી પ્રથમ માગણી છે કે ડીએમઆરસી કાઉન્સિલ બંધારણીય સંસ્થા કે સંગઠન નહીં હોવાથી તેની પાસે કોઇ સત્તા અને અધિકાર નથી, તેથી ડીએમઆરસી સ્ટાફ કાઉન્સિલને ડીએમઆરસી એમ્પ્લોઇઝ યુનિયનમાં રૂપાંતર કરવામાં આવે. સ્ટાફની અન્ય માગણીઓમાં ત્રીજા પે રિવીઝન સ્કેલ મુજબ અમારા ઔદ્યોગિક મોંઘવારી ભથ્થા (આઇડીએ)ના અમલીકરણનો સમાવેશ થાય છે.