(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૫,
શહેરનાં ભાજપનાં કોર્પોરેટર દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યા બાદ વડોદરાની દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા તિરંગાનું અપમાન કરાયું છે. સ્કૂલ દ્વારા તેની વાર્ષિક મેગેઝિનમાં તિરંગો ઊંધો છાપી દેતાં વિવાદ થયો છે. દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા દર વર્ષે છાપવામાં આવતાં તેના વાર્ષિક મેગેઝિનમાં દેશનો રાષ્ટ્રધ્વજ ઊંધો છાપી દીધો છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર શાળા દ્વારા તાજેતરમાં જ તેના વિદ્યાર્થીઓને વાર્ષિક મેગેઝિન આપવામાં આવ્યું હતું. જેમાં વર્ષ દરમ્યાન સ્કૂલની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ વિદ્યાર્થીઓની સિદ્ધિઓ છાપવામાં આવી હતી. જેનાં એક પાન પર સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજવામાં આવેલ કાર્યક્રમમાં અલગ અલગ વેશભૂષામાં સજ્જ નાના બાળકોનો ફોટો પણ છાપવામાં આવ્યો છે. પરંતુ તે ફોટોમાં બાળકોની પાછળ શાળા સંચાલકો દ્વારા લગાવવામાં આવેલ દેશનો રાષ્ટ્રધ્વજ ઊંધો છે. ડીપીએસ સંચાલકો દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરાયું હતું. પરંતુ શાળા સંચાલકોને બાદમાં તેમાં તિરંગો ઊંધો છપાઇ ગયો હોવાનું ભાન થતાં મેનેજમેન્ટ તાબડતોડ એક્શનમાં આવ્યું હતું. અને તાત્કાલિક વિદ્યાર્થીઓ અને તેમનાં વાલીઓને મેગેઝિન સ્કૂલમાં પરત જમા કરાવવા સૂચના અપાઇ હતી. દિલ્હી પબ્લિક સ્કૂલ જેવી પ્રતિષ્ઠિત સ્કૂલ દ્વારા રાષ્ટ્રધ્વજનું આ રીતે અપમાન કરાતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે. તિરંગાનાં અપમાન બદલ માલેતુજારોની આ શાળા સામે સખત કાયદાકીય કાર્યવાહીની માંગ ઉઠી છે. વડોદરામાં આ અગાઉ પણ તિરંગાનાં અપમાનનો મામલો સામે આવી ચુક્યો છે. જેમાં સ્વાતંત્ર્ય પર્વે જ ભાજપનાં કાઉન્સિલર હસમુખ પટેલ દ્વારા તિરંગાને કચરામાં ફેંકી તેનું ઘોર અપમાન કરાયું હતું. સાથે જ લોકોની રાષ્ટ્રભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી હતી. હવે જ્યારે દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરાયું છે ત્યારે જોવું રહેશે કે શિક્ષણ વિભાગ શાળા સામે શું કાર્યવાહી કરે છે.