(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
ગુરૂગ્રામની રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પ્રદ્યુમનની હત્યાએ સમગ્ર દેશની શાળાઓમાં બાળકોની સુરક્ષા પર પ્રશ્નો ઊભા કરી દીધા છે. ખાસ કરીને દિલ્હી સરકાર આ ઘટના બાદ એક્શનમાં આવી ગઈ છે. રાજધાનીમાં રેયાન સ્કૂલની ૯ બસોને જપ્ત કરવામાં આવી છે. જો કે, આ દરમિયાન અલગ-અલગ સ્કૂલોની કુલ ૧૨૩ બસોની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
હકીકતમાં, ગુરુગ્રામની ઘટના બાદ દિલ્હીમાં સરકારના એન્ફોર્સમેન્ટ વિભાગની ૨૦ ટીમોએ શાળાની બસોમાં ચેકિંગ હાથ ધર્યું. ત્યારબાદ ઉત્તર અને પૂર્વ દિલ્હીમાં ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવ્યું. આ દરમિયાન રોહિણી અને વસંત કુંજમાં આવેલ રેયાન સ્કૂલની બસોમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું. ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું કે આ બસોના ડ્રાઈવર અને કન્ડક્ટરો પાસે લાયસન્સ જ નથી. એટલું જ નહીં મોટાભાગના કન્ડક્ટરો પાસે કોઈ બેચ પણ નહોતો. આ એવા બેચ હોય છે, જે પોલીસ વેરીફિકેશન બાદ આપવામાં આવે છે. પરંતુ, સરકારની તપાસ ટીમને જાણવા મળ્યું કે, રેયાન સ્કૂલની બસમાં કાર્યરત કન્ડક્ટરો પાસે બેચ નહોતા. તપાસ ટીમને રેયાન સ્કૂલની એવી ૯ બસો મળી, જેના ડ્રાઈવર અને કન્ડક્ટરો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. તપાસ દરમિયાન અન્ય શાળાની બસો પણ નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાની વાત સામે આવતા, રેયાન સહિત ૮ શાળાઓની કુલ ૧૨૩ બસોની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.