(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
દિલ્હી વિશ્વ વિદ્યાલય છાત્રસંઘ ચૂંટણીમાં એનએસયુઆઈની જીત બદલ દિલ્હી કોંગ્રેસ પ્રમુખ અજય માકને ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ જીતથી એ વાત સાબિત થઈ છે કે યુવાનોએ કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે. અજય માકને કહ્યું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષપદે એનએસયુઆઈના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા. રાહુલ ગાંધીએ અમેરિકાની બર્કલે યુનિવર્સિટીમાં આપેલ ભાષણનો યુવાનોએ સ્વીકાર કર્યો જ્યારે ૧૧ સપ્ટેમ્બરના વડાપ્રધાન મોદીના ભાષણને નકારી દીધું. યુવાનોને મોદીથી મોહભંગ થયો છે. ભાજપ અને મોદી સરકારે ચૂંટણીમાં દખલ કરી છતાં હાર થઈ. પહેલીવાર ચૂંટણી શુક્ર-શનિના બદલે મંગળવારે કરાઈ. ૧૧ સપ્ટેમ્બરે મોદીના સ્વામી વિવેકાનંદ ઉપરના ભાષણ માટે આ તારીખ બદલાઈ હતી. દિલ્હી યુનિવર્સિટીમાં અધ્યક્ષપદે જીત મેળવનાર રોકી તુસીદ અને ઉપાધ્યક્ષ કૃણાલ સેહરાપતને માકને શુભેચ્છા પાઠવી હતી. મોદીને યુવાનોએ ર૦૧૪માં અભૂતપૂર્વ સમર્થન આપતા ભાજપનો વિજય થયો હતો. ૩ વર્ષમાં મોદીએ યુવાનો માટે રોજગાર કે યોજનાઓ બનાવી નહીં જે તેમનું કલ્યાણ કરે. સચિવ અને સહસચિવ પદ માટે પુનઃ મતગણતરીમાં એબીવીપીનો ઉમેદવાર વિજેતા ઘોષિત કરાયો. પરંતુ સીસીટીવી કેમેરા સાથે ફરીથી ગણતરીની માકને માગણી કરી છે. તે માટે કોર્ટમાં જઈશું.