દિલ્હીમાં સતત ત્રીજા દિવસે મોવડીમંડળ સાથે કોંગી નેતાઓની મીટિંગ

અમદાવાદ,તા. ૧૮
રાજયસભાની ચૂૂંટણી જીત્યા બાદ કોંગ્રેસમાં એક નવો ઉત્સાહ અને આશાનો સંચાર થયો હોય એમ લાગે છે. જેના કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં આવી ગયું છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આજે દિલ્હીમાં મોવડીમંડળના રાષ્ટ્રીય નેતાઓ સાથે સતત ત્રીજા દિવસે બેઠકોનો દોર જારી રાખી ચૂંટણી લક્ષી મહત્વની ચર્ચા વિચારણા હાથ ધરી હતી અને વ્યૂહરચના-રણનીતિની રૂપરેખા તૈયાર કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓએ આજે કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, એહમદ પટેલ સહિતના રાષ્ટ્રીય નેતાઓને મળી ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને લઇ મહત્વની રણનીતિ તૈયાર કરવાની કવાયત હાથ ધરી હતી. જેમાં ચૂંટણી દરમ્યાન પ્રજા સમક્ષ લઇ જવાના મુદ્દા, કોંગ્રેસ પક્ષના ચૂંટણી ટાણે શું નારા કે મુખ્ય સૂત્રો હશે તે, ચૂંટણી વખતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ, સરકારના કયા મુદ્દે ઘેરવી સહિતના મુદ્દાઓ પરત્વે વિસ્તારપૂર્વકની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી દરમ્યાન પ્રચાર પ્રસાર વખતે જીએસટી અને નોટબંધી સહિતના મુદ્દા પર ભાજપ સરકારને ઘેરવામાં આવે અને તેની પર આ મુદ્દાઓને લઇ પ્રહાર કરવામાં આવે તેવી પણ તૈયારીઓ કરાઇ છે. દરમ્યાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇ કોંગ્રેસ ગંભીર અને સક્રિય છે. આજે ઉપરોકત મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરી રૂપરેખા નક્કી કરવામાં આવી છે. આગામી તા.૨૯મી ઓગસ્ટના રોજ સુરતમાં કોંગ્રેસના વફાદાર ધારાસભ્યોના સન્માનના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જયારે તા.૧ લી સપ્ટેમ્બરે કોંગ્રેસ દ્વારા પારડીનો સત્યાગ્રહ કાર્યક્રમ આપી આદિવાસીઓની વિશાળ રેલી યોજવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધીને પણ અમે ગુજરાત આવવાનું આમંત્રણ આપ્યું છે. રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસના કાર્યક્રમનું પણ આયોજન કરાઇ રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks