અમદાવાદ, તા.૪
શહેરના જમાલપુર વિસ્તારમાં ચાલતી જ્ઞાનોદય હિન્દી સ્કૂલનું સમારકામના નામે ૧૮થી ર૦ કિ.મી. દૂર વસ્ત્રાલમાં સ્થળાંતર કરાતાં શાળા ટ્રાન્સફરના નામે ડીઈઓ કચેરી દ્વારા આચરતા ભ્રષ્ટાચારના વિરોધમાં કાર્યવાહી કરવા એનએસયુઆઈ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. અમદાવાદ શહેર જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ આસીફ પવારની આગેવાનીમાં મ્યુનિસિપલ કાઉન્સિલર શાહનવાઝ શેખ, ગુજરાત યુનિવર્સિટી એનએસયુઆઈ પ્રમુખ નારાયણ ભરવાડ અને અમદાવાદ એનએસયુઆઈના હોદ્દેદારો કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, જમાલપુર વિસ્તારમાં ચાલતી જ્ઞાનોદય હિન્દી સ્કૂલને બિલ્ડીંગ સમારકામના નામે શહેરના ગ્રામીણ વિસ્તાર વસ્ત્રાલ ગામમાં ખસેડવામાં આવી છે. સ્થળાંતરના નિયમ મુજબ જો સ્થળાંતર કરવું જ પડે તેવી સ્થિતિમાં વિદ્યાર્થીમાં હિતમાં અન્ય સ્થળ પ કિ.મી.થી વધારે દૂર ન હોવું જોઈએ, પરંતુ આ શાળા ૧૮થી ર૦ કિ.મી. દૂર છે, જ્યાં સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યાં પહેલાંથી જ બે શાળા ચાલે છે. જેમાં માત્ર સાત ઓરડા છે, તો સ્થળાંતર કઈ રીતે કરી શકાય ? ઉપરાંત આ શાળા કોમર્શિયલ જગ્યા ઉપર ચલાવવામાં આવે છે તો આવી શાળાને પરમિશન કેવી રીતે મળી શકે ? આ ગ્રાન્ટેડ લઘુમતી હિન્દી સંસ્થાના નામે શિક્ષકોની ભરતી પ્રક્રિયાની તપાસ થાય તો મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવે છે. આ સંસ્થામાં પણ શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ છે. આ સ્થળાંતર શાળામાં વિદ્યાર્થીઓ જ નથી તો સ્થળાંતર કઈ રીતે થઈ શકે ? આ સમગ્ર પ્રક્રિયામાં જે પણ અધિકારીઓની સંડોવણી હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા એનએસયુઆઈએ માગણી કરી છે.