ચંદીગઢ, તા. ૨૭
હરિયાણાના ગૃહ સચિવ રામનિવાસે રવિવારે જણાવ્યું હતું કે, શુક્રવાર જેવી હિંસક અથડામણો ન સર્જાય તે માટે સોમવારે ડેરા પ્રમુખ રામરહીમની સજાના ચુકાદા વખતે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હિંસક અથડામણોના ડરના પગલે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ડેરા પ્રમુખની સજાની સુનાવણી રોહતક જેલમાં જ કરવા સૂચના આપી હતી. આરોપોની કલમો અંતર્ગત રામરહીમને સાતથી ૧૦ વર્ષની જેલની સજા થઇ શકે છે. રામરહીમ પર આઇપીસીની કલમ ૩૭૬ (બળાત્કાર) અને ૫૦૬ (અપરાધિક ધમકી) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યંુ હતું. ૩૭૬ અંતર્ગત ઓછામાં ઓછી સાતથી ૧૦ વર્ષની સજા થઇ શકે છે જ્યારે ૫૦૬ અંતર્ગત બે વર્ષની જેલ અને દંડની જોગવાઇ છે. રોહતકની જેલમાં રામ રહીમ કેદ છે અને તેના બે કિલોમીટર વિસ્તારમાં કોઇ અજાણી વ્યક્તિને જવાની પરવાનગી નથી. આ તમામ વિસ્તારને છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું છે. જેલ બહાર પાંચ સ્તરની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે અને જો કોઇ ઉપદ્રવી અંદર ઘુસવાનો પ્રસાય કરશે તો તેની સાથે કડક હાથે કામ લેવામાં આવશે તેમ એસપી જૈને જણાવ્યું હતું.
રામનિવાસે જણાવ્યું હતું કે, શાંતિ અને સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી રાખવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું તોફાની લોકો સામે ઘણા કેસોનોંધવામાં આવ્યા છે અને હજુ પણ કડક કાયદા હેઠળ કેસો નોંધવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બની બેઠેલા ભગવાનના દૂત ગુરમિત રામરહીમ વિરૂદ્ધ રેપના આરોપનો ચુકાદો શુક્રવારે સીબીઆઇ કોર્ટે આપ્યો હતો જેમાં તેને બળાત્કારનો દોષિત ઠેરવાયો હતો અને સોમવારે સજાની સુનાવણી નક્કી કરાઇ હતી. દરમિયાન ચુકાદો આવતાની સાથે જ લાખો ડેરા સમર્થકો માર્ગો પર ઉતરી આવ્યા હતા અને તોફાનો શરૂ કરી દીધા હતા. જેમાં ૩૬ લોકોના મોત થયા હતા અને ૨૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
રામનિવાસે જણાવ્યું હતું કે, ૧૦ કિલોમીટરના વિસ્તારમાં પંખી પણ આવી શકતું નથી મેં ટોચના પોલીસ અધિકારીઓ અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે સમીક્ષા કરી છે. ડેરા પ્રમુખને સજાની સુનાવણી માટે રોહતક જેલમાંજ કોર્ટ સ્થપાશે તેવો નિર્દેશ હાઇકોર્ટે શનિવારે કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, લોકોની સંપત્તિને જે નુકસાન થયું છે તેની ભરપાઇ ડેરાની સંપત્તિ વેચીને કરવામાં આવશે.