૭૦ વર્ષ પહેલાં અમારી સરકાર હોત તો દેશ બીમાર પડ્યો ન હોત : મોદી

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, જૂનાગઢ, તા.ર૩
જૂનાગઢ ખાતે પધારેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહારો કરવાની તક જતી કરી ન હતી. તેમણે જણાવ્યું હતું કે, ૭૦ વર્ષ પહેલા અમારી સરકાર બની હોત તો દેશ બીમાર પડયો ન હોત, અગાઉની સરકારને મધ્યમ પરિવારના લોકોને દવાના બોજની ચિંતા નહોતી, પરંતુ અમારી સરકારે જનઔષધી કેન્દ્રો ખોલી લોકોને મોંઘવારીના મારમાથી બચાવી છે. આ સાથે વડાપ્રધાન મોદીએ કેન્દ્રની અગત્યની એવી ‘આયુષ્માન ભારત’ યોજના રપ સપ્ટેમ્બરથી દેશમાં શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી. જૂનાગઢ શહેરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યો માટે આવ્યા હતા. વડાપ્રધાન આજે નિર્ધારીત સમય કરતા મોડા પહોંચ્યા હતા વડાપ્રધાનનું આગમન થયું કે તરત જ સભા સ્થળ પીટીસી ગ્રાઉન્ડ ખાતે તેમજ આજુબાજુના વિસ્તારમાં જોરદાર વરસાદ તુટી પડયો હતો. વડાપ્રધાને ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા કહ્યું કે વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત લાખો પરિવારો પોતાના માલિકના જ ઘરના ઘરમાં પ્રવેશ કરશે. જેનો મને સંતોષ છે આ પ્રસંગે વડાપ્રધાને જાહેરસભાને સંબોધતા કહ્યું કે જૂનાગઢ જિલ્લામાં આ હોસ્પિટલ હવે મેડિકલ કોલેજ કેન્દ્ર બિંદુ બની ગઈ છે. માત્ર છેલ્લા નવ વર્ષના ટૂંકા ગાળામાં રાજયમાં આઠ નવી મેડિકલ કોલેજ અને આઠ હોસ્પિટલોનું નિર્માણ થયું છે. જેનાથી રાજયમાં એમબીબીએસની બેઠકોની સંખ્યા વધીને ચાર હજાર થઈ ગઈ છે જનઔષધિ કેન્દ્રો દ્વારા ૩,૩૦૦ની દવા રૂપિયા ૩૦માં અને રૂા.પ૦ની દવા રૂા.પમાં મળતી થઈ છે. તેમ મોદીએ જણાવ્યું હતું. જેનાથી મધ્યમ વર્ગના પરિવારોને દવાના ખર્ચમાં ૭૦થી ૮૦ ટકાની બચત થઈ રહી છે. આગામી તા.ર ઓકટોબરના રોજ મહાત્માં ગાંધીને ૧પ૦મી જન્મજયંતી નિમિત્તે દેશને ખુલ્લામાં શૌચમુકત વાતાવરણ વાળો બનાવવાની નેમ છે. દેશભરમાં અન્ય આધુનિક ૧.પ લાખ આરોગ્ય કેન્દ્રો ખોલવામાં આવશે જેમાં તમામ પ્રકારની અત્યાધુનિક આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થશે. જેનાથી આગામી ટૂંક સમયમાં દેશભરમાં ખૂબ મોટા પ્રમાણમાં ડોકટરો-નર્સીસ અને પેરા-મેડિકલ સ્ટાફની જરૂર પડશે અને તેનાથી દેશમાં આરોગ્યનું મજબૂતમાં મજબૂત નેટવર્ક ઉભું થશે. વડાપ્રધાને વધુમાં કહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ડેરી ઉદ્યોગ ખૂબ વિકસીત થઈ રહ્યો છે આજે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ડેરીઓ સ્થપાઈ ગઈ છે. વર્ષ ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક છે દેશમાં મધનું ઉત્પાદન અને નિકાસ એક જ વર્ષમાં બમણી થઈ ગઈ છે. ખેડૂતો પોતાના ખેતરમાં સૂર્યશકિત દ્વારા જે વીજળી પેદા કરશે તેમજ પાસેની વધારાની વીજળી સરકાર ખરીદી લેશે. ખેડૂતોને તેમના કૃષિપાકોનું ૧.પ ગણા ટેકાના ભાવ આપવામાં આવ્યા છે. ૯૯ પડતર સિંચાઈ યોજનાઓને રૂા.૧ લાખ કરોડના ખર્ચે પુનઃ જીવીત કરવામાં આવી રહી છે. જૂનાગઢ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂા.રપ૦ કરોડના ખર્ચે નવનિર્મિત સિવિલ હોસ્પિટલ અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજનું ઈ-લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ જૂનાગઢ મહાનગરપાલિકા નિમિત્તે બે કામો ટાઉલહોલનું નવનિર્માણ અને સાબલપુર સ્થિત પુલનું લોકાર્પણ જયારે નરસિંહ મહેતા સરોવર અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહુર્ત કર્યું હતું. જયારે જૂનાગઢ કૃષિ યુનિ. સ્થિત યુનિ.ના ત્રણ નવનિર્મિત ભવનનું લોકાર્પણ અને વેરાવળ ખાતે નવનિર્મિત ફીશરીસ કોલેજ અને સરસ્વતી ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કર્યું હતું કુલ રૂા.પ૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ કોંગ્રેસના ધારાસભ્ય સહિત પ૦ કાર્યકરોની અટકાયત

મોદીના આગમન પૂર્વે પ્રદર્શન કરવા જતાં કોંગી MLA અને શહેર પ્રમુખ સહિત પ૦થી વધુની અટકાયત.

જૂનાગઢ શહેરમાં આજે વડાપ્રધાન મોદીના કાર્યક્રમ વખતે જૂનાગઢ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા કાળા વાવટાં ફરકાવી વિરોધ વ્યકત કરવાનો કાર્યક્રમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસનો આ કાર્યક્રમ યોજાય તે પહેલાં જ જૂનાગઢના કોંંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમિપરા સહિતના કોંગ્રેસના પ૦ જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks