National

દેશભરમાં CAAનો પ્રચંડ વિરોધ : અનેક અટકાયતો, કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ બંધ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
નાગરિકતા સુધારા કાયદા વિરૂદ્ધ ગુરૂવારે પણ દેશભરમાં દેખાવો ચાલુ રહ્યા હતા. પટના, દિલ્હી, લખનઉ, હૈદરાબાદ, અમદાવાદ સહિતના મોટાભાગના રાજ્યો તથા શહેરોમાં દેખાવકારો માર્ગો પર નીકળી પડ્યા હતા. લખનઉમાં દેખાવો હિંસક બની ગયા હતા અને ઠેર-ઠેર આગચંપી અને તોડફોડના બનાવો બન્યા હતા. પોલીસની ગાડીઓ સહિત અનેક ગાડીઓમાં આગ ચાંપી હતી. ટોળાને કાબૂમાં રાખવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. દેખાવકારોએ પરિવર્તન ચોક પર એનડીટીવીની ઓબી વેન પર પણ હુમલો કર્યો હતો અને તેને નુકસાન પહોંચાડ્યું હતુંં. આ પહેલા ઉત્તરપ્રદેશના સંભલમાં દેખાવકારોએ રાજ્ય પરિવહન નિગમની બસોને આગ ચાંપી દીધી હતી. દિલ્હીમા નવા કાયદા વિરૂદ્ધ દેખાવકારોની ભીડ વધતા દિલ્હી મેટ્રોના ૨૦ સ્ટેશનો બંધ કરાયા હતા. બીજી તરફ દેશભરમાં ચાલી રહેલા દેખાવો વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે ઇમરજન્સી બેઠક બોલાવવાની ફરજ પડી છે. સૂત્રો અનુસાર લખનઉમાં હિંસાને લઇ સરકાર ભારે ચિંતામાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડી અને કેન્દ્રીય ગૃહસચિવ અજયકુમાર ભલ્લા આ બેઠકમાં સામેલ થયા હતા. દિલ્હીમાં વકીલ પ્રશાંત ભૂષણ, સામાજિક કાર્યકર હર્ષ મંદર જેવા લોકોની અટકાયત કરાઇ હતી. કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં પણ સેંકડો લોકોની અટકાયત કરાઇ હતી.
આ અઁંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. દેશના મોટાભાગના શહેરોમાં નાગરિકતા સુધારા કાયદા વિરૂદ્ધ લોકો માર્ગો પર ઉતરી આવ્યા છે ત્યારે ૨૦૧૪માં પ્રથમવાર ચૂંટાયા બાદ વડાપ્રધાન મોદી સામે આ પ્રથમ એવો મોટો પડકાર ઉભો થયો છે. આ વિવાદાસ્પદ કાયદો પાકિસ્તાન,અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ૨૦૧૪ પહેલા આવેલા બિન મુસ્લિમ લોકોને શરણ આપે છે. ટિકાકારોએ કહ્યું કે, ધર્મના આધારે ભાગલા પાડતો આ કાયદો દેશના બંધારણીય માળકાને પડકારે છે.
૨. આ અઠવાડિયે હિંસક રહેલા દિલ્હીમાં હજારો સમર્થકો સાથે લાલ કિલ્લા તરફ કૂચ કરી રહેલા સ્વરાજ ઇન્ડિયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે દેશભરમાં બુધવારે સાંજે રેલીની પરવાનગી આપવાનો ઇન્કાર કર્યો હતો. દિલ્હીમાં અનેક સ્થળોએ ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો અને મેટ્રોને ૨૦ સ્ટેશનો બંધ રખાયા હતા.
૩. દિલ્હી સહિતના અનેક શહેરોમાં વોઇસ, ઇન્ટરનેટ અને એસએમએસ સેવા બંધ રાખવામાં આવી હતી. દિલ્હીના ઉત્તર અને મધ્ય જિલ્લાઓ, મંડી હાઉસ, સીલમપુર, જાફરાબાદ, મુસ્તફાબાદ, જામિયા નગર, શાહીન બાગ અને બવાનામાં કે જ્યાં મોટાભાગની અખબારની ઓફિસો આવેલી છે ત્યાં પણ મોેબાઇલની કેટલીક સેવાઓ બંધ કરાઇ હતી.
૪. દિલ્હીમાં લાલ કિલ્લા અને મંડી હાઉસમાં બે સ્થળો પર યોજાયેલા વિશાળ દેખાવમાં વિપક્ષના નેતા ડી રાજા, સીતારામ યેચૂરી, નિલોતપાલ બાસુ, બ્રિન્દા કરાત, અજય માકન, સંદીપ દિક્ષિત અને કાર્યકરો યોગેન્દ્ર યાદવ અને ઉમર ખાલીદ જેવા લોકોની અટકાયત કરાઇ હતી.
૫. દિલ્હી ટ્રાફિક પોલીસે ટિ્‌વટ કર્યું હતું કે, તેમણે દિલ્હી અને ગુરગાંવના માર્ગો પર બેરિકેડ લગાવ્યા છે. આ પગલું દેશના પાટનગરમાં પ્રવેશનારા દેખાવકારોને રોકવા માટે લેવાયું હતું. એરપોર્ટ પર જઇ રહેલા લોકો પણ ફસાયા હતા કારણ કે ૧૫થી વધુ ફ્લાઇટ મોડી પડી હતી.
૬. મુંબઇના ક્રાંતિ મેદાનમાં દેખાવમાં ભાગ લેવા માટે આશરે ૧૫,૦૦૦થી વધુ લોકો પહોંચ્યા હતા. બીજી તરફ ચેન્નાઇમાં પોલીસે પરવાનગી આપી ન હોવા છતાં રેલી કઢાઇ હતી. અભિનેતામાંથી રાજનેતા બનેલા કમલ હાસને પોલીસને કહ્યું હતું કે, તેઓ લોકશાહીના અવાજને દબાવવાનો પ્રયાસ ના કરે.
૭. ઉત્તરપ્રદેશમાં સમગ્ર રાજ્યમાં ધારા ૧૪૪ લાગુ કરી દેવાઇ છે જેમાં ચાર લોકોથી વધુ સામે ભેગા થવા પર પ્રતિબંધ મુકયો હતો. લખનઉમાં દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને મોટરસાયકલો સળગાવી હતી તથા પોલીસ ચોકીને પણ લગાવાઇ હતી. સંભલમાં પણ દેખાવકારોએ બે સરકારી બસોમાં આગ ચાંપી હતી.
૮. કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનરજીનીઆગેવાનીમાં જ છેલ્લા ચાર દિવસથી પગપાળા વિરોધ રેલીઓ યોજાઇ રહી છે ત્યારે ગુરૂવારે પણ મમતાએ વિશાળ માર્ચ યોજી હતી જેમાં કેરળ, પંજાબના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. મમતાએ પોતાના રાજ્યમાં નાગરિકતા સુધારા કાયદો લાગુ કરવાનો ઇન્કાર કર્યો હતો.
૯. બેંગ્લોર ઉપરાંત કર્ણાટકના કેટલાક ભાગો જેમ કે, હુબલી, કલબુર્ગી, હાસન, મૈસૂર અને બેલ્લારીમાં ભારે દેખાવો થયા હતા. અહીં ઘણા સ્થળોએ પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી.
૧૦. કોંગ્રેસે પોલીસ પગલાંનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, ભાજપને શરમ આવવી જોઇએ કે જ્યારે દેખાવ કરવાનો દરેક ભારતીયને અધિકાર છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે કે, તમે જેટલો અવાજ દબાવવાનો પ્રયાસ કરશો તેટલો અમારો અવાજ બુલંદ થશે.

ઇતિહાસકાર રામચંદ્ર ગુહાને લાઇવ ઇન્ટરવ્યૂ દરમિયાન ઢસડીને અટકાતયમાં લેવાયા

ગુરૂવારે સવારે ઇતિહાસકાર રામચંદ્ર ગુહા વિવાદિત નાગરિકતા કાયદાનો વિરોધ કરવા દેખાવોમાં જોડાયા હતા જ્યાં તેમને પોલીસ દ્વારા લાઇવ ઇન્ટરવ્યૂ દરમિયાન પોલીસ દ્વારા ઢસડીને અટકાયતમાં લેવાયાહતા. બેંગ્લોરમાં ધારા ૧૪૪ લાગુ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરવા નીકળી પડ્યા હતા. રેલી શહેરની બહાર આવેલી ટાઉન હોલ ખાતે સભામાં ફેરવવાની હતી ત્યારે જ ઇતિહાસકાર રામચંદ્ર ગુહા સહિતના લોકોની અટકાયત કરાઇ હતી. તેમણે કહ્યું કે, ‘અમે અહિંસક પ્રદર્શન કરી રહ્યા છીએ ત્યારે પોલીસ શા માટે અમારી અટકાયત કરે છે. મને પોલીસ પર દયા આવે છે તેઓ પોતાના માલિકોના કહ્યામાં છે. કેમ માત્ર ભાજપ શાસિત રાજ્યોમાં જ ધારા ૧૪૪ લગાવાઇ છે?

મેંગ્લુરૂમાં દેખાવો દરમિયાન કર્ણાટક પોલીસ હવામાં ફાયરિંગ કરતી હોવાનું વીડિયોમાં કેદ

કર્ણાટકના મેંગ્લુરૂ ખાતે ગુરૂવારે નાગરિકતા કાયદાના વિરોધમાં થયેલા દેખાવો દરમિયાન એક પોલીસ કર્મચારી ટોળાને વિખેરવા માટે હવામાં ફાયરિંગ કરતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ગુરૂવારે સમગ્ર દેશમાં નાગરિકતા કાયદા વિરૂદ્ધ દેખાવો થયા હતા. દેખાવોને ધ્યાનમાં રાખીને કર્ણાટકના પાંચ જિલ્લામાં કરફ્યુ લાદી દેવાયો છે. વીડિયોમાં દેખાય છે કે, લોકો દૂર ઊભા છે તેમની તરફ પોલીસકર્મી હવામાં ગોળીબાર કરી રહ્યો છે. આ પગલાંથી લોકો ઉશ્કેરાયા હતા અને બાદમાં હિંસા ફેલાઇ હતી. કર્ણાટકમાં ભાજપની સરકાર હોવાથી વિદ્યાર્થીઓ કે લોકોને દેખાવ કરવાની પરવાનગી અપાઇ ન હતી. પોલીસે આ ઉપરાંત ટીયરગેસના શેલ તથા લાઠીચાર્જ પણ કર્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  NationalPolitics

  ૧૦ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાંEVMસ્ની ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન ચોથા તબક્કામાં ૯૬ બેઠકો માટે ૬૨ ટકાથી વધુ મતદાન

  પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.