(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ, તા.૧૧
દેશના ભાજપ શાસિત રાજ્યોમાં પ્રજાજનો ભયગ્રસ્ત અને વિકાસ વિહીન દશામાં છે. ભાજપ સરકારના શાસનમાં સરકારના નોટબંધીના મનસ્વી નિર્ણયને લીધે સામાન્ય પ્રજા લાઈનોમાં ઊભી થઈ ગઈ હતી જ્યારે કેટલાક ચોરોનું કાળું ધન સફેદ થઈ ગયું જ્યારે ૧૦ ટકા જેટલા ઉદ્યોગપતિઓને લાભ આપનારી ભાજપ સરકારે વેપારીઓ ઉપર ગબ્બરસિંઘ ટેક્ષ (જીએસટી) નાંખતા ગુજરાતની વેપારી જનતાએ દબાણ વધારવા કેન્દ્રએ તેના દરમાં ઘટાડો કરવો પડ્યો છે જે જનતાની જીત છે એમ પ્રાંતિજ ખાતેની યુવા રોજગાર અને ખેડૂત અધિકાર સભાને સંબોધતા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ લાક્ષણિક શૈલીમાં ભાજપ તથા વર્તમાન સરકાર ઉપર ચાબખાં વિંઝયા હતા. અત્રેના બસ ડેપો પાસે યોજાયેલ આજની રાહુલ ગાંધીની સભા પૂર્વે જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેના પગલે સભા સ્થળ ખિચોખીચ ભરાઈ ગયું હતું. તો વળી એપ્રોચ રોડ ઉપર પણ લોકોએ તડકામાં ઊભા રહી રાહુલ ગાંધીની એક ઝલક જોવા ઈન્તજાર કર્યો હતો.
આજની આ ખેડૂત અધિકાર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લેતાં કહ્યું કે આ સરકારમાં મોદીને આડે હાથ લેતાં કહ્યું કે આ સરકારમાં માત્ર પાંચ-દસ કંપનીઓનો જ વિકાસ થયો છે. ખેડૂતોના હકનું પાણી અને જમીન છીનવી લઈને ઉદ્યોગપતિઓને આપવામાં આવ્યું છે. પરિણામે ખેડૂતોનો વિકાસ અને સમૃદ્ધિ અટકયા છે. મોદી સરકારના વાયદાઓ પોકળ સાબિત થયા છે.તેમણે એક વર્ષમાં બે કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી જે પૂર્ણ કરી શકયા નથી. શિક્ષણ, આરોગ્ય તથા રોજગારમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં પાછળ છે. યુપીએ સરકાર વેળા કોંગ્રેસે મનરેગામાં ૩પ૦૦૦ કરોડ રૂપિયા નાંખ્યા અને લોકોને રોજગારી આપી તેમનું જીવન બદલી નાંખ્યું. જ્યારે ભાજપની ગુજરાત સરકારે તાતા-નેનો માટે ૩૩,૦૦૦ કરોડ રૂપિયા આપ્યા સાથે ખેડૂતોની જમીન, વીજળી, પાણી આપ્યા પરંતુ તેનાથી ઉદ્યોગપતિઓ સિવાય સામાન્ય પ્રજાજનોને કોઈ ફાયદો થયો નથી.
રાજ્યમાં શિક્ષણની દુર્દશાનો ચિતાર આપતાં રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે ૯૦ ટકા કોલેજોનું ખાનગીકરણ કર્યું છે. પરિણામે કોલેજો તગડી ફી ઉઘરાવે છે તેથી ગરીબ અને સામાન્ય વર્ગના બાળકો ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી.
વધુમાં નોટબંધીના કેન્દ્ર સરકારના નિર્ણય ઉપર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, સરકાર માત્ર પાંચ-દસ લોકોના ફાયદા માટે નથી હોતી પણ આમ પ્રજાના હિતનું ધ્યાન રાખવા માટે હોય છે. સરકારે વિચાર્યું નહીં કે નોટબંધીથી કોને નુકસાન થશે ? ભ્રષ્ટાચારના મુદ્દે તાતા તીર છોડતા રાહુલ ગાંધીએ કહ્યું કે દુનિયામાં એવી કઈ કંપની છે કે જે પ૦,૦૦૦ રૂપિયાને મહિનાઓમાં જ ૮૦,૦૦૦ કરોડ રૂપિયામાં બદલી શકે છે ? અમિત શાહના પુત્ર જય શાહની કંપની અંગે વડાપ્રધાન મોદી એક શબ્દ પણ બોલતાં નથી. પહેલાં ખાતો પણ નથી અને ખાવા દેતો પણ નથી કહેનારા વડાપ્રધાન ‘શાહજાદા’ માટે તો ‘ન બોલુંગા ન બોલને દુંગા’ જેવી નીતિ અપનાવી છે. તેમણે તીખો સવાલ કર્યો કે વડાપ્રધાન મોદીજી આપ ‘દેશના ચોકીદાર છો કે, ભાગીદાર’ ? રાહુલના અણીયારા સવાલો સાંભળી લોકોમાંથી એવું સૂત્ર પોકારાતું હતું કે, કોંગ્રેસને માફ કરો અને ભાજપને સાફ કરો.
અંતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના દેવા નાબૂદી, સિંચાઈ, વીજળી, પાણીના પ્રશ્નો ઉકેલવા સાથે જીએસટી એક જ ટેક્ષ દેશભરમાં લાગુ કરશે. અમારી સરકાર સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલશે. અંતમાં આકરા તાપમાં પણ મને સાંભળવા આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં હાજર રહ્યા, તેમ જણાવી આભાર વ્યક્ત કર્યો હતો. આ સભામાં ગુજરાતના પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગુ.પ્ર. કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, આગેવાનો શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, અલ્પેશ ઠાકોર, જગદીશ ઠાકોર, જિલ્લા પ્રમુખ મણીભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ સફળતાપૂર્વક કર્યું હતું. સભા પૂર્વે રાસલોડના છ યુવાનોનાં મોતના પ્રશ્ને ન્યાયિક કાર્યવાહી કરવાની માગણી સાથે મૃતકોના વાલીઓએ સહાયની માગણી કરતાં રજૂઆત કરી હતી તો ધારાસભ્ય બારૈયાએ સ્મૃતિ ભેટ આપતાં રાહુલ ગાંધીએ ખુશી વ્યકત કરી હતી.
GSTનું માળખું બદલાવું જ જોઈએ : રાહુલ
ગાંધીનગર ખાતે સભાને સંબોધતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જીએસટીને માળખાકીય બદલવાની જરૂર છે. ભાજપની સરકારે જીએસટીના દરોમાં ઘટાડો કરી અમુક પ્રોજેક્ટ ઉપર ર૮ ટકામાંથી ૧૮ ટકા ટેક્ષ કર્યો તે બાબત સારી છે. કોંગ્રેસ પક્ષે અને પ્રજાએ કરેલા દબાણને લીધે સરકારે આ પગલું ભર્યું છે. સરકારના આ નિર્ણયથી અમે ખુશ છીએ પણ અહીં અમે અટકવાના નથી. દેશમાં પાંચ જુદા-જુદા પ્રકારના ટેક્ષને પ્રજા સ્વીકારતી નથી. અમે ઈચ્છીએ છીએ કે જીએસટીનું માળખું બદલવામાં આવે.