દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેન એક રીતે તો મફતમાં મળશે : મોદી

બુલેટ ટ્રેન આપણા અમદાવાદથી આમચી મુંબઈ તરફ ૨૦૨૨માં પ્રયાણ કરશે
જાપાનના વડાપ્રધાન શિન્જો અબે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ એટલે કે બુલેટ ટ્રેનનો રિમોટ દબાવી શિલાન્યાસ કર્યો હતો. આ મહાકાય પ્રોજેક્ટની શરૂઆત કરાવી ભારતે વિકાસ તરફ હરણફાળ ભરવા વધુ એક ડગલું ભર્યું હતું. આ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતા પહેલાં મંચ પર આવી પહોંચેલા જાપાન અને ભારત બંને દેશોના વડાઓએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૪
દેશના સૌ પ્રથમ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો આજે જાપાનના વડાપ્રધાન શિન્જો અબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કર્યો હતો. આ ઐતિહાસિક પ્રસંગને વધાવી લેતા જાપાનના વડાપ્રધાન આબેએ તેને ભારતમાં બુલેટ યુગનો પ્રારંભ ગણાવી આ વિશ્વની સૌથી સુરક્ષિત રેલવે બનશે તેમ જણાવ્યું હતું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બુલેટ ટ્રેન ભારતને સાવ મફતમાં મળી રહી છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, આનાથી સમય અને પૈસા પણ બચશે તથા વિકાસના નવા દ્વાર ખૂલશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાની વડાપ્રધાન શિન્જોે અબે સાથે મળીને ભારતની પ્રથમ હાઇસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યા બાદ કહ્યું હતું કે, ભારતીય પરિવહનના ક્ષેત્રમાં એક ઐતિહાસિક દિવસ આવી ગયો છે. બુલેટ ટ્રેન એક પ્રકારથી મફતમાં ભારતને મળી રહી છે. મોદીએ આના માટે અને ખાસ કરીને જાપાની વડાપ્રધાન શિન્જો અબેનો આભાર માન્યો હતો. મોદીએ કહ્યું હતું કે, શિન્જોની અંગત ભાવનાના પરિણામ સ્વરૂપે આ પ્રોજેક્ટ હવે અમલીકરણની દિશામાં આગળ વધશે. મોદીએ કહ્યું હતું કે, જ્યારે કોઇ વ્યક્તિ કોઇ ચીજ ખરીદે છે. ત્યારે એક એક પૈસાનો હિસાબ કરવામાં આવે છે. કોઇ એક બાઇક ખરીદવામાં આવે છે તો ૧૦ બેંકોમાં ચક્કર લગાવે છે. કોઇ અડધા ટકા પણ વ્યાજ ઘટાડે તો ખુશીથી ઉજવણી કરવામાં આવે છે. કોઇ એવી વ્યક્તિ અથવા બેંક મળી શકે કે જે મફતમાં લોન આપી શકે અને એ પણ ૮૮૦૦૦ કરોડ રૂપિયાની લોન. મોદીએ કહ્યું હતું કે, ભારતને એવા જ શિન્જો અને જાપાની જેવા મિત્રો મળ્યા છે જે ભારતને ૦.૦૧ ટકાના દરે લોન આપવા તૈયાર છે. આ પ્રોજેક્ટ એક પ્રકારથી મફતમાં બનશે. મોદીએ ઉમેર્યું હતું કે જ્યારે તેઓએ બુલેટ ટ્રેનની વાત કરી ત્યારે લોકો પૂછતા હતા કે બુલેટ ટ્રેન ક્યારે આવશે અને હવે જ્યારે લાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે લોકો પૂછી રહ્યા છે કે, કેમ લાવવામાં આવી રહી છે. બુલેટ ટ્રેન જાપાન તરફથી ભારતને આપવામાં આવેલી એક ખુબ મોટી ભેંટ તરીકે છે. મોદીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, કોઇપણ દેશ અડધા સંકલ્પો અને સપનાને લઇને આગળ વધી શકે નહીં. હવે ધીમીગતિથી આગળ વધવાનો સમય નથી. બુલેટની ગતિએ આગળ વધવાનો સમય આવી ગયો છે. બુલેટ ટ્રેન એવો જ એક પ્રોજેક્ટ છે જે ઝડપી ગતિ, ઝડપી પ્રગતિ અને ઝડપી ટેકનોલોજીના માધ્યમથી પરિણામ લાવશે. આમા સુવિધા અને સુરક્ષા બંને રહેલી છે. તે રોજગારની સાથે સાથે ગતિ પણ લાવશે. હ્યુમન ફ્રેન્ડલી અને ઇકોફ્રેન્ડલી પણ છે. તેમણે કહ્યું હતું કે, એક સારો મિત્ર હંમેશા સમય અને મર્યાદાના બંધનોથી દૂર હોય છે અને જાપાને આ બાબત દર્શાવી દીધી છે કે તે ભારતના કેટલા મોટા મિત્ર તરીકે છે. ભારત અને જાપાન વચ્ચે મજબૂત સંબંધોની પણ આ સાબિતી આપે છે. મોદીએ શિન્જો જેવી વ્યક્તિનું તેમના સ્તર મુજબ સ્વાગત કરવા બદલ ગુજરાત સરકારની પણ પ્રશંસા કરી હતી. મોદીએ ઉમેર્યું હતું કે, ભારતના રેલવેના ઇતિહાસમાં હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. બુલેટટ્રેન પરિયોજના ઝડપી પરિવર્તન લાવશે. સમગ્ર વિસ્તાર સિંગલ ઇકોનોમી ઝોનમાં પરિવર્તિત થઇ જશે. સાબરમતી ટર્મિનલ ખાતે જાપાનના સહયોગથી સાકાર થનાર હાઈસ્પીડ રેલ યોજના તથા વડોદરા હાઈસ્પીડ રેલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનુ ખાતમુર્હૂત કર્યું હતું. ભારતમાં હવે નેક્સ્ટ જનરેશનનો વિકાસ હાઈસ્પીડ કોરિડોરથી થશે. ટેકનોલોજી ટ્રાન્સફરથી રેલવેને ફાયદો થશે.
જાપાની વડાપ્રધાન આ પ્રસંગે સંબોધન કરીને તમામનું ધ્યાન ખેંચ્યું હતું. અબેએ હિન્દીમાં સંબોધન શરૂ કર્યું હતું. અબેએ ભારત અને જાપાન માટે એક નવો નારો આપ્યો હતો. તેઓએ જય જાપાન, જય ઇન્ડિયાનો નારો આપ્યો હતો અને કહ્યું હતું કે, આગળ પણ જાપાન ભારતની મદદ કરતું રહેશે. નમસ્કાર સાથે સંબોધનની શરૂઆત કરતા ભારતની ભારે પ્રશંસા કરી હતી. બંને દેશો વચ્ચે મિત્રતાની એક નવી શરૂઆત થઇ હોવાનો શિન્જોએ દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જાપાનના ૧૦૦થી પણ વધારે એન્જિનિયરો ભારત આવી ચુક્યા છે. દિનરાત એક કરીને ચર્ચા કરી રહ્યા છે. બંને દેશોના એન્જિનિયર સાથે મળીને કામ કરશે તો કોઇ કામ એવું નથી જે શક્ય ન બની શકે. અબેએ અબેએ ભારત અને જાપાનની મિત્રતાને એક દાખલા સમાન ગણાવીને કહ્યું હતું કે, જાપાન માટે જે અને ભારત માટે આઈ મળીને વિજય બની જાય છે. જય જાપાન જય ઇન્ડિયાને સાકાર કરવા બંને દેશો મળીને કામ કરશે. જાપાની વડાપ્રધાને મોદીને એક દુરદર્શી વ્યક્તિ તરીકે ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, ૧૦ વર્ષ પહેલાં ભારતની સંસદને તેમને સંબોધવાની તક મળી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે આગામી વખતે ભારત આવશે ત્યારે બુલેટ (ટ્રેન)માં શિનકાનસેનમાં બેસીને મોદીની સાથે અમદાવાદથી મુંબઈ યાત્રા કરવા ઇચ્છુક છે. તેઓ મોદી, ગુજરાત અને ભારતને પસંદ કરે છે. ભારત માટે જે કંઇ પણ કરવાનું હશે તેઓ ચોક્કસ કરશે. જાપાન અને ત્યાંની કંપનીઓ મેઇક ઇન ઇન્ડિયા માટે કટિબદ્ધ છે. ભારત પ્રત્યે જાપાનની કંપનીઓ ગંભીર છે. જાપાનની સરકાર અને કંપનીઓ ખુબ મહેનત કરીને પ્રોજેક્ટને આગળ વધારવા તૈયાર છે. એક દિવસ સમગ્ર ભારતમાં બુલેટ ટ્રેન દોડતી થશે. જાપાન અને ભારત દુનિયાની સૌથી મોટી તાકાત તરીકે ઉભરી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks