(એજન્સી) મૈસૂર, તા.૯
પૂર્વ વડાપ્રધાન અને જનતાદળ(એસ)ના પ્રમુખ એચડી દેવગૌડાએ કહ્યું છે કે કોઈ શું કહે છે તેની સાથે કોઈ નિસ્બત નથી. પરંતુ આગામી ચૂંટણીમાં અમે એકલા હાથે સત્તા મેળવીશું. ૧ર જેટલા સંભવિત જીતનાર અપક્ષોએ પણ અમને ટેકાની ખાત્રી આપી છે. તેમણે કહ્યું કે બસપા બે કે ત્રણ બેઠકો જીતશે. અમે ૩૦થી ૩પ બેઠકો મુંબઈ અને હૈદરાબાદ કર્ણાટકમાં જીતીશું. જેમાં ૪ બીડરમાં અને ૩ બેલગામમાં જીતીશું. આ અતિશ્યોક્તિ નથી પરંતુ ભાજપ-કોંગ્રેસથી થાકેલા લોકોએ પ્રાદેશિક પક્ષો પર પસંદગી ઉતારી છે. ચોક્કસ સ્થળોએ લોકોએ અમારા માટે ફંડ પણ એકઠું કર્યું છે. ભાજપ સાથે કોઈપણ પ્રકારના જોડાણનો ઈન્કાર કરી દેવગૌડાએ કહ્યું કે તેઓ સત્તા ભૂખ્યા નથી. તેઓ સિદ્ધાંતોને માને છે અને જીવંત પ્રર્યન્ત પાળશે.
તેમણે કહ્યું કે, જ્યારે વાજપેયી સરકાર તૂટી રહી હતી ત્યારે ટેકાની ઓફરને મેં ફગાવી દીધી હતી. મને ખાત્રી છે કે જેડી(એસ) તેના આપ બળે સરકાર બનાવશે. ખેડૂતો અમને દગો નહીં કરે. મૈસૂરની તમામ બેઠકો અમે જીતીશું. વરૂણા અને ક્રિશ્નરાજમાં સખ્ત મુકાબલો છે. સિદ્ધારમૈયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે દિવંગત મુખ્યમંત્રી રામકૃષ્ણ હેગડે તેમના માર્ગદર્શક હતા. તે અંગે ગૌડાએ કહ્યું કે રાજ્યના લોકો સમજુ છે. તેઓ સ્થિતિને સમજીને ચાલશે. વડાપ્રધાનની મુલાકાતથી ૩ ટકા મત વધ્યા હોવાના ભાજપના દાવા અંગે ગૌડાએ કહ્યું કે સિદ્ધારમૈયાએ તેમની સામે બદનક્ષીનો દાવો કર્યો છે તે તેમની સિદ્ધિ છે.