(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ પોતાના ઝેર અંગેના નિવેદનનો ખુલાસો કરતા કહ્યું કે, તેમના નિવેદનને ખોટી રીતે લેવાયો છે. તેમણે આ સાથે જ એમ પણ કહ્યું કે, ૨૦૧૯માં જો ભાજપ વિરોધી ગઠબંધન સરકારમાં આવશે તો તેમના પિતા એચડી દેવગૌડા ફરીથી વડાપ્રધાન પદના દાવેદાર હોઇ શકે છે. કુમારસ્વામીએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસ વિપક્ષી ગઠબંધનમાં મોટી ભાગીદાર છે. તેથી સ્વાભાવિક રીતે મારા મતે રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટે ચાવીરૂપ ઉમેદવાર છે. આમ કરવા માટે અમારા ગઠબંધને કર્ણાટકમાં ઓછામાં ઓછી ૨૦-૨૫ લોકસભા બેઠકો જીતવી પડશે તે માટે અમારે ખુબ જ મહેનત કરવી પડશે. અમે તેમને સમર્થન કરીએ છીએ અને રાહુલ ગાંધીની સાથે ઉભા છીએ. એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી અને જનતા દળ(એસ)ના રાજ્યના અધ્યક્ષ એચડી કુમારસ્વામીએ ખુલાસોકર્યો હતો કે, ગઠબંધન સાથી કોંગ્રેસ સાથે તેમનો કોઇ પ્રકારનો મતભેદ નથી. તેમણે કહ્યું કે, તેમણે સમાજના એક વર્ગનો ઝેર પીવો પડી રહ્યો છે જે કર્ણાટકની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યો છે. ૨૦૧૯માં ભાજપ વિરોધી મોરચા અથવા દેવગૌડાની કોઇ મહત્વપૂર્ણ ભૂમિકા હોઇ શકે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, આ દેશમાં કાંઇપણ થઇ શકે છે આ લોકતંત્ર છે. યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ આગામી પીએમ પદના દાવેદાર છે. તેમણે ભાજપ સાથે કોઇ ગઠબંધનનો ઇન્કાર કરતા કહ્યું કે, હવે એવુંં ક્યારેય નહીં થાય. વર્ષ ૨૦૦૬માં મેં પિતાની ઇચ્છા વિરૂદ્ધ કામ કર્યું અને તેમની ધર્મનિરપેક્ષ છબિ સામે સવાલ ઊભા થયા હતા. આ તેમની કારકિર્દી પર કલંક સમાન હતું.