ડીસા, તા. ર૭
થરાદ-મીઠા હાઇવે પર વાવના દેવપુરા પાટિયા નજીક બાઈક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર બે યુવકો નીચે પટકાતા ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે ગાડી ચાલક ગાડી મુકી ફરાર થઈ ગયો હતો.બનાવને પગલે એમ્બુલન્સને જાણ કરતા વાવ અને થરાદ ૧૦૮ એક સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટનાને પગલે સમગ્ર બીયોક ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
વાવ તાલુકાના બિયોક ગામના બે યુવકો રવિવારે થરાદથી બાઇકનં જીજે.૧૮.એકે.૭૦૪૦ લઇ બિયોક ગામ તરફ આવી રહ્યા હતા. ત્યારે થરાદ મીઠા હાઇવે રોડ પર વાવના દેવપુરા ગામના પાટિયા નજીક મીઠા તરફથી પુરઝડપે આવી રહેલી બોલેરો ગાડી નં.જીજે.૧૧.એસ.૧૫૯૧ ના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર બિયોક ગામના બે યુવકો બાઇક પરથી નીચે પટકાયા હતા.જેમા પૂર્વ સરપંચ ભૂપતાજી ઠાકોરના પુત્ર ઉદેસિભાઈ ભુપતાજી ઠાકોર (ઉ.વ,૩૦) અને રાહુલભાઈ ખોડાજી ઠાકોર (ઉ.વ,૨૫) ને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળેજ બંને યુવકોના કમકમાટીભર્યા મોત થયા હતા. બાઇક ચાલકોને અડફેટે લેનાર બોલેરો જીપ ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો.બનાવની જાણ બિયોક ગામે થતાં ગામ લોકો અને પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.રક્ષાબંધનના પર્વના દિવસે બહેનોએ બે યુવાન ભાઈ ગુમાવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.