(એજન્સી) શ્રીનગર, તા.૧પ
આતંકવાદીઓ સાથે પકડાયેલા શ્રીનગરના ડીએસપી દેવિન્દરસિંઘને નોકરીમાંથી સસ્પેન્ડ કરાયા છે. તેમને નોકરીમાંથી બરખાસ્ત કરવા માટે સરકારને ભલામણ કરી દેવાઈ છે. તેમ ડીજીપી દિલબાગસિંઘે જણાવ્યું હતું.
ડીજીપીએ કહ્યું કે આતંકવાદી સાથે પકડાયેલ ડીએસપી દેવિન્દરસિંઘની પૂછપરછમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. જેને જાહેર કરી શકાય તેવી સ્થિતિ નથી. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને મદદ કરવાના આરોપસર ધરપકડ કરાયેલા ડીએસપી દેવિન્દરસિંઘને સરકારે નોકરીમાંથી બરખાસ્ત કરી મોટું પગલું લીધું છે. વિવિધ એજન્સીઓ દેવિન્દરસિંઘની પૂછપરછ કરી રહી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, વરિષ્ઠ પોલીસ અધિકારી દેવિન્દરસિંઘની ભૂમિકા હેરાન કરનાર છે. વર્ષો સુધી દેવિન્દરસિંઘ પોલીસની આંખોમાં ધૂળ નાંખતા રહ્યા, પરંતુ અંતે ભાંડો ફૂટી ગયો, જ્યારે આતંકવાદીઓને શ્રીનગરથી લઈ જમ્મુ રવાના થયા. ફોનકોલ ચેક કરતા સનસનાટીભરી હકીકતો બહાર આવી. તપાસ અધિકારી સંદીપ ચૌધરી વરિષ્ઠ અધિકારીઓને જાણકારી આવી. ગુપ્તચર એજન્સીઓએ દેવિન્દરસિંઘ પર નજર રાખી હતી. ૧૦ જાન્યુઆરીએ હિઝબુલ કમાન્ડર નવીદબાબુ સાથે તેમણે વાત કરી હતી. ત્યારથી યોજનાની ખબર પડી કે ડીએસપી દેવિન્દરસિંઘ ત્રાસવાદીઓને લઈ શ્રીનગરથી જમ્મુ જઈ રહ્યા છે. ત્યારબાદ દેવિન્દરસિંઘ ૧૦ જાન્યુઆરીએ તેમની કારમાં ત્રાસવાદીઓને લઈ રવાના થયા. પોલીસ સતર્ક બની ગઈ ડીઆઈજી અતુલ ગોયલે ઓપરેશનની આગેવાની લીધી. કુલગામ પાસે મીટ બજાર પોલીસ નાકા પાસે દેવિન્દરસિંઘ કારને રોકી લેવાઈ ડીઆઈજી અતુલ ગોયલ સ્થળ પર હાજર હતા થોડી પૂછપરછ બાદ ધરપકડ કરાઈ.