(એજન્સી) ચેન્નઇ, તા. ૫
તમિલનાડુના ચર્ચાસ્પદ ગુટખા કૌભાંડ મામલે સીબીઆઇએ બુધવારે ચેન્નાઇમાં ૪૦ સ્થળો પર સાગમટે દરોડા પાડ્યા હતા.સીબીઆઇના દરોડામાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના અધિકારીઓના ઘરે તલાશી લેવાઇ હતી. સીબીઆઇએ તંબાકુ ચાવવા પર પ્રતિબંધ અંગે થયેલા ભ્રષ્ટાચાર અંગે આ દરોડા પાડ્યા હતા. સીબીઆઇએ ચેન્નઇના ૪૦ સ્થળો પર આશરે સવારે સાત વાગે દરોડા શરૂ કર્યા હતા જેમાં તમિલનાડુના ડીજીપી ટીકે રાજેન્દ્રન, પૂર્વ ડીજીપી એસ જ્યોર્જ, સ્વાસ્થ્ય મંત્રી સી વિજય ભાસ્કર અને અન્ય પોલીસ અધિકારીઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. ઉપરાંત પૂર્વ પોલીસ કમિશનર સી જ્યોર્જ અને ખાદ્ય સુરક્ષા વિભાગના અધિકારી સહિત અનેક અધિકારીઓના ઘરે દરોડા પડાયા હતા.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. ગુટખા કૌભાંડ ચાવવાના તંબાકુના ગેરકાયદે વેચાણ મામલે સરકાર તથા પોલીસમા ંરહેલા લોકોને ૪૦ કરોડ રૂપિયાની લાંચ આપવાના કેસના સંદર્ભમાં છે.
૨. ૨૦૧૬માં આ કૌભાંજ ત્યારે પ્રકાશમાં આવ્યું હતું જ્યારે ગુટખા બનાવવાના કેન્દ્રો અને તંબાકુના ઉદ્યોગપતિઓએ આશરે ૨૫૦ કરોડ રૂપિયાને ટેક્ષની ચોરી કરતા દરોડા પડાયા હતા.
૩. ઉદ્યોગપતિ માધવરાવના ઘરેથી સર્ચ દરમિયાન મળેલી ડાયરીમાં એવા નામોનો ખુલાસો થઇ શકે છે જેઓએ ગુટખા બનાવનારા પાસેથી લાંચ લીધી હોય.
૪. ડાયરીમાં અપાયેલા કોડ નામમાં સ્વાસ્થ્યમંત્રી વિજય ભાસ્કર અને ચેન્નઇ પોલીસ કમિશનરનો ઉલ્લેખ થયો હોવાની ચર્ચા છે. જ્યોર્જ અને રાજેન્દ્રન આ સમયગાળામાં પોતાના પદ પર હતા.
૫. તમિલનાડુમાં ૨૦૧૩માં ચાવવાના તંબાકુને બનાવવા, સંગ્રહ કરવા અને વેચવા પર પ્રતિબંધ મુકાયો હતો જેમાં ગુટખા અને પાન મસાલા પર પણ પ્રતિબંધ મુકાયો હતો.
૬. ગુટખાની એમડીએમ બ્રાન્ડની કંપનીના માલિક માધવરાવની ગયા અઠવાડિયે ગુપ્ત સ્થળે પુછપરછ કરવામાં આવી હતી.
૭. કૌભાંડમાં રાજ્યની ભ્રષ્ટાચાર નિવારમ બ્રાન્ચ અલગથી તપાસ કરી રહી છે. એપ્રિલ માસમાં વિપક્ષ ડીએમકેના નેતાએ મદ્રાસ હાઇકોર્ટમા અરજી દાખલ કરી કેસ સીબીઆઇને સોંપવા માગ કરી હતી.
૮. સીબીઆઇએ મે માસમાં તમિલનાડુ અને કેન્દ્ર સરકારના મહેસૂલ તથા ખાદ્ય સુરક્ષા વિભાગના અજાણ્યા અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
૯. જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે વિપક્ષ દ્વારા સીબીઆઇની માગનો વિરોધ કરનારી રાજ્ય સરકાર અંગે ટીપ્પણી કરી હતી જેમાં કહ્યું હતું કે શા માટે આટલો વિરોધ કરો છો ? જ્યારે વિવિધ એજન્સીઓ અને રાજ્યો સંડોવાયેલા છે, શા માટે સીબીઆઇને કેસ સોંપવામાં ન આવે અને રાજ્ય સરકારની મદદ લેવામાં ન આવે ?
૧૦. કોર્ટના આદેશથી સત્તાધારી એઆઇએડીએમકેને આંચકો લાગ્યો હતો જ્યારે વિપક્ષ ડીએમકેને ઉજવણી કરવાની તક મળી હતી જેમાં સ્વાસ્થ્ય મંત્રી અને પોલસ અધ્યક્ષ વિરૂદ્ધ તપાસની માગ કરાઇ હતી.