અમદાવાદ,તા.૨૮
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલમાં ખાનગી બાઉન્સરોની દાદાગીરી સામે આવી છે. શનિવારે સવારે જ્યારે મીડિયાકર્મીઓ વી.એસમાં કવરેજ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે ગેટ પર હાજર બાઉન્સરોએ મીડિયાકર્મી સાથે ગેરવર્તણૂંક કરી હતી. તેમની સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી, તેમજ બળજબરીથી તેમના કેમેરા બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે વી.એસ. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેટ એસ.ટી. મલ્હાન પણ સુરક્ષા એજન્સીના બચાવમાં આવી ગયા હતા.
મીડિયા કર્મીઓને હોસ્પિટલમાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરનાર હોસ્પિટલ તંત્ર એવું તે શું કરી રહ્યા છે. જેનાથી તેઓને છુપાવવાની ફરજ પડે છે અને મીડિયા કર્મીઓને પ્રવેશ અપાતો નથી. હોસ્પિટલમાં મીડિયા કર્મી કોઈ ઘટનામાં ઘાયલ થઈ આવેલા દર્દીની કે તેના સગાની પૂછપરછ કરી સત્યતા જાણવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે તેમને આ રીતે રોકવા અને ધક્કા મારી કાઢી મૂકવા કેટલું યોગ્ય છે ?
વી.એસના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ એસ.ટી. મલ્હાને આ અંગે જણાવ્યું હતું કે તેઓ આ ઘટના અંગે તપાસ કર્યા બાદ કંઈક કહી શકશે. સુરક્ષા એજન્સીની તરફેણ કરતા તેમણે જણાવ્યું હતું કે આ સુરક્ષા એજન્સી આવ્યા પછી વી.એસ.માં સુરક્ષાને લઈને કોઈ ઈશ્યૂ ઉભા નથી થયા.
આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, “ગરીબોને સારવાર મળી રહે તે માટે નિર્માણ કરવામાં આવેલી વી.એસ હોસ્પિટલે હવે ધંધાદારી સ્વરૂપ ધારણ કરી લીધું છે. કોર્પોરેશનના સત્તાધીશોએ હોસ્પિટલનું ખાનગીકરણ કરી નાખ્યું છે. બાઉન્સરો પણ તેમના આકાઓના ઈશારે કામ કરી રહ્યા છે.
આ ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પો.માં વિપક્ષના નેતા દિનેશ શર્મા પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઘટનાને વખોડી કાઢી હતી. તેમણે મ્યુનિ. બેઠકમાં આ મુદ્દે રજૂઆત કરવાની બાંહેધરી આપી હતી.