(એજન્સી) શ્રીનગર, તા.ર૩
શ્રીનગરની ઐતિહાસિક સત્તરમી સદીની હઝરતબાલ દરગાહ ખાતે બુધવારે ઈદની નમાઝ દરમિયાન કેટલાક શખ્સોએ નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાની સાથે ધક્કામુક્કી કરી હતી. નમાઝના સ્થળે ઉપસ્થિત ડો.ફારૂક અબ્દુલ્લાહને સ્થળ છોડી જવા દબાણ કરી બૂટ બતાવી નમાઝમાં ખલેલ પહોંચાડી હતી.
આ લોકો ડો.ફારૂક અબ્દુલ્લાહ પર ગુસ્સે હતા કારણ કે દિવંગત વડાપ્રધાન વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પતા તેમણે ભારત માતા કી જય અને જય હિન્દ જેવા નારા લગાવ્યા હતા. સર્વદલીય પ્રાર્થના સભામાં ડો.અબ્દુલ્લાહના આ ઉચ્ચારણોથી કાશ્મીરી યુવકો ગુસ્સે ભરાયા હતા. ઈમામ દ્વારા નમાઝની શરૂઆત સાથે જ ગુસ્સામાં આવેલા લોકોએ ફારૂક અબ્દુલ્લાહને ધક્કે ચડાવી ગો બેકના સૂત્રોચ્ચાર કર્યા હતા. નમાઝ સ્થળે હાજર લોકોએ આઝાદીના સૂત્રો પણ પોકાર્યા હતા.
પહેલી હરોળમાં ખુરશીમાં બેઠેલા ફારૂક અબ્દુલ્લાહના રક્ષણ માટે કેટલાક યુવકોએ માનવચેઈન બનાવી હતી.
આ ઘટના બાદ ડો.ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે, તેમના પોતાના જ માણસોએ ગેરમાર્ગે દોરાઈ દેખાવો કર્યા હતા. પરંતુ તેનો અર્થ એ નથી કે હું છટકી જઈશ. મારું કામ દરેકને સંગઠિત કરવાનું છે. કેટલાક મીડિયા દ્વારા આ મુદ્દાને ચગાવવા બદલ ફારૂક અબ્દુલ્લાહે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે, હું આશા રાખું છું કે ગેરમાર્ગે દોરવાયેલા યુવાનોને યોગ્ય સલાહ અપાય. એક રાજકીય નેતા તરીકે મારે લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્યું કે, તેઓ કાયર નથી.
ડો.ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે, અગર યે સમજતે હૈ કી ઈસસે આઝાદી આયેગી તો હું તેમને કહેવા માંગું છું કે પહેલાં ગરીબી-ભૂખમરો-બેકારીથી આઝાદી મેળવો.
શ્રીનગરના લોકસભાના સાંસદ ડો.અબ્દુલ્લાહે કહ્યું કે, આ સમય છે કે ભારત-પાકિસ્તાન શાંતિપૂર્ણ વાતચીત માટે આગળ આવે. ધિક્કારથી મુક્તિની જરૂર છે. આ દેશ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાનો છે. જેઓ અહીં રહે છે.