(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાસાયણિક હુમલાની ધમકી આપનાર રર વર્ષીય યુવકની મુંબઈમાંથી ધરપકડ કરાઈ છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ સુરક્ષા કર્મચારી તરીકે કામ કરનાર કાશીનાથ મંડલની ડી.બી.માર્ગ પોલીસે ર૭ જુલાઈના રોજ ધરપકડ કરી હતી. અધિકારીએ જણાવ્યું કે, તેણે નવી દિલ્હી સ્થિત એન.એસ.જી. નિયંત્રણ કક્ષનો ફોન નંબર મેળવી શુક્રવારે ત્યાં ફોન કરી વડાપ્રધાન પર ‘રાસાયણિક હુમલા’ની ધમકી આપી હતી. એન.એસ.જી.એ આ નંબર ટ્રેસ કરી પોલીસને માહિતી આપી હતી. ઝારખંડ નિવાસી મંડલ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી સુરત જનારી ટ્રેનમાં બેસવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરાઈ હતી. અધિકારીએ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન મંડલે પોલીસને જણાવ્યું કે, ઝારખંડમાં તાજેતરમાં થયેલ નક્સલવાદી હુમલામાં તેના મિત્રનું નિધન થયું હતું તે સંદર્ભને વડાપ્રધાનને મળવા ઈચ્છતો હતો. મંડલ વિરૂદ્ધ આઈપીસી ધારા પ૦પ (૧) અને (ર) તેમજ ધારા ૧૮ર અંતર્ગત ગુનો નોંધાયો છે.