પાટણ, તા.૧૩
વડગામ મતવિસ્તારના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીને મોબાઈલ ફોન ઉપર ગોળીઓ મારી દેવાની ધમકીના વિરોધમાં આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ વિવિધ દલિત સંગઠન આગેવાનો દ્વારા પાટણ ખાતે જિલ્લા પ્રશાસનને લેખિતમાં રજૂઆત કરાઈ છે.
ગુજરાત વિધાનસભાના વડગામ વિસ્તારના ધારાસભ્ય અને અનુસૂચિત જાતિના અગ્રણી નેતા જીગ્નેશ મેવાણીને ગત તારીખ છઠ્ઠી જૂનના રોજ મોબાઈલ ફોન પર કોઈ વ્યક્તિએ બિભત્સ ગાળો બોલી ગોળી મારી દેવાની ધમકી આપી હતી જેને લઈ આજે દલિત આગેવાનોએ પાટણ ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સરકાર દ્વારા ઝેડ પ્લસ સુરક્ષા કવચ આપવામાં આવે તેવી માંગ કરી છે.
તો જીગ્નેશ મેવાણીને મળેલી ધમકીની ન્યાયિક તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે.
આ પ્રસંગે મકવાણા હરગોવન, નરેન્દ્રભાઈ પરમાર, પિયુષ પરમાર સહિત વિવિધ દલિત સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.