(એજન્સી) તા.૨૩
ગૌરક્ષકોના ટોળા દ્વારા પોતાના એક ડેરી ખેડૂતની હત્યાના વિરોધમાં મેઉના સેંકડો મુસ્લિમો કર્મશીલોના સમર્થન સાથે દિલ્હી-અલવર હાઇવે પર વિરોધ દેખાવો કરવા ધરણા પર બેસી ગયા હતા. ગૌરક્ષકોમાંથી અત્યાર સુધીમાં માત્ર બે જણની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન સરકારે આ ભીડ તંત્રને સમર્થન આપ્યું હોવાથી હવે તેઓ ખંંડણીનું રેકેટ ચલાવે છે અને જે લોકો પૈસા આપી શકતા નથી. તેમને મારી નાખે છે. મેઉ સમુદાયમાં ચાલી રહેલ ગણગણાટ આ વાતને સમર્થન આપે છે. અકબરખાનનું પણ ટોળાએ માગેલ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ જતા તેને ઢોર માર મારીને પાશવી રીતે તેની હત્યા કરવામાં આવી હતી. રાજસ્થાનમાં આમ મોબ લિંચીંગ બેરોકટોક ચાલી રહ્યું છે. અગાઉ લિંચીંગનો ભોગ બનેલ પહેલુખાનની હત્યાના એક આરોપીને ધરપકડ કરીને પુરાવાના અભાવે તેને તુરત છોડી મૂકવામાં આવ્યો હતો. અધૂરામાં પૂરું આ વખતે રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહપ્રધાન અર્જુન રામ મેઘવાલે ગૌરક્ષકોના ટોળા દ્વારા ૨૮ વર્ષના અકબર ખાનની હત્યાને વસ્તુતઃ યથાર્થ ઠરાવતા તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સાથે સાંકળી છે, તેમણે જણાવ્યું હતું કે મોદીજી જેટલા લોકપ્રિય બને છે એટલી વધુ આવી ઘટનાઓ થશે. બિહાર ચૂંટણી થઇ ત્યારે એવોર્ડ વાપસીનો સિલસિલો ચાલ્યો હતો. ઉ.પ્ર.ની ચૂંટણી આવી ત્યારે મોબ લિંચીંગની ઘટના બની હવે જ્યારે ૨૦૧૯ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ચોક્કસપણે આવું બનશે. અસહિષ્ણુતાની કેટલીક ઘટના બનશે. કારણ કે મોદીજી દ્વારા લાવવામાં આવી રહેલી યોજનાઓ પાયાના સ્તરે બદલાવ લાવી રહી છે અને તેની આ પ્રતિક્રિયા છે એવું જણાવીને તેમણે આ ઘટનાને એક સાઝીશ તરીકે પ્રસ્થાપિત કરવાનો નાટકીય પ્રયાસ કર્યો હતો. આ જ વાત કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે સમાન રીતે વિચિત્ર નિવેદન દ્વારા કરી છે. તેમણે જણાવ્યું હતું કે અમે મોબ લિંચીંગની ઘટનાને વખોડી કાઢીએ છીએ પરંતુ ૧૯૮૪માં શીખો સાથે જે કંઇ થયું હતું તે દેશમાં મોબ લિંચીંગની સૌથી મોટી ઘટના હતી.