(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.પ
ધંધુકા-રાણપુર માર્ગ પર ગુંજાર ગામ નજીક ઈંડો કાર અને આઈશર ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં અમદાવાદના યુવાન સહિત બેના મોત નિપજ્યા હતા જ્યારે ચાર યુવાનોને ઈજા પહોંચી હતી જે પૈકી બેની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના સરસપુરમાં સુલેમાન રોજાની ચાલીના ૮ જેટલા યુવાનો ઈકો કાર લઈ ગત તા.૩ના રોજ દીવ ફરવા ગયા હતા. જ્યાંથી તેઓ ગત મોડી રાત્રે પરત ફરતા હતા. દરમિયાન આજરોજ વહેલી સવારે તેઓ રાણપુર પસાર કરી ધંધુકા તરફ આવતા હતા ત્યારે ગુંજાર ગામ નજીક તેમની ઈકોકાર આઈશર વચ્ચે ટક્કર થતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં સરસપુરના મોઈન મુસ્તાક શેખ નામના ર૦ વર્ષના યુવાનનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા ૧૦૮ની ટીમ અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને ધંધુકાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં કેદારખાન સાબીરમીયાં નામના રર વર્ષના યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે સૈયદ આરીફ હનીફ (ઉ.વ.૧૮), તસવરખાન મહંમદખાન (ઉ.વ.૧૯), આદિલખાન (ઉ.વ.૧૯) અને ફિરોજ વ્હોરા (ઉ.વ.ર૦)ને વધુ સારવાર માટે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સૈયદ આરીફ હનીફ અને તસવરખાનની સ્થિતિ ગંભીર હોવાથી ટ્રોમા સેન્ટરમાં સઘન સારવાર અપાઈ રહી છે. આ અકસ્માતની જાણ થતાં ગોમતીપુરના મ્યુનિ. કાઉન્સિલર ઈકબાલ શેખ તુરત જ હોસ્પિટલ દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોનું નિદાન અને સંપૂર્ણ સારવાર ત્વરીત કરાવી દવાઓ-ઈન્ડેનથી આપવા સુપ્રીન્ટેન્ડેન્ટને ભલામણ કરી હતી. ઉપરાંત ઈજાગ્રસ્તોને તમામ મદદની ખાતરી આપી હતી.