ધંધુકા નજીક જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ૧૧ લોકોનાં મોત

(સંવાદદાતા દ્વારા)
ધંધુકા, તા.ર૭
આજે વહેલી સવારે ધંધુકા-બરવાળા હાઈવે પર ધંધુકાથી પાંચ કિમી દૂર તુફાન જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ મહિલા અને છ પુરૂષના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. તમામ મૃતકો એક જ પરિવારના છે અને પાલિતાણા ખાતે દર્શનાર્થે જઈ રહ્યા હતા. મળતી વિગત મુજબ મૂળ ગુજરાતના તારાપુર નજીક પચ્છે ગામના વતની અને મુંબઈ સ્થાયી થયેલા શાહ પરિવારના સભ્યો આજે વહેલી સવારે જૈન તીર્થધામ પાલિતાણા ખાતે દર્શન માટે જઈ રહ્યો હતો ત્યારે ધંધુકા-બરવાળા હાઈવે પર યાત્રાળુઓ સવાર તુફાન જીપ અને ટ્રક સામ-સામે અથડાયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં જીપના ચાલક તથા જૈન પરિવારના સભ્યો સહિત અગિયાર લોકોનાં મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં જૈનમ શાહ નામના ૧પ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. મરણ જનાર ધરાબેન શશીકાંત શાહ (ઉ.વ.ર૪ રહે. મુંબઈ) જીનાલીબેન કમલેશભાઈ શાહ (ઉ.વ.ર૧, રહે. મુંબઈ), શશીકાંત વિનોદરાય શાહ (ઉ.વ.પપ, રહે. મુંબઈ), રીટાબેન શશીકાંત શાહ (ઉ.વ.પ૧, રહે. મુંબઈ), ભારતીબેન કિશોરભાઈ શાહ (ઉ.વ.પર રહે. સુરત), નેમીત કિશોર શાહ (ઉ.વ.૧૮, રહે. મુંબઈ), નંદીશ પ્રદીપભાઈ શાહ (ઉ.વ.૧૮, રહે. મુંબઈ), કિરણભાઈ કમલેશભાઈ શાહ (ઉ.વ.૪પ, રહે. મુંબઈ), વિભાબેન હિતેશભાઈ શાહ (ઉ.વ.૪પ રહે. મુંબઈ), હિતેશભાઈ લક્ષ્મીચંદ શાહ (ઉ.વ.૪૯, રહે. મુંબઈ), અહેમદભાઈ રસુલભાઈ મલેક (ઉ.વ.પ૦, રહે. વડોદરા (ડ્રાઈવર) સહિત તમામ લોકોને ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તમામને મૃત જાહેર કરી પીએમ હાથ ધરવામાં આવ્યું હતું. ધંધુકા ૧૦૮ ટીમના આદમભાઈ તથા અશોકભાઈએ ભારે દોડધામ કરી હતી. આ ગંભીર અકસ્માતની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા આર.વી. અંસારી તથા ધોળકા ડીવાયએસપી એચ.જી. પરમાર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ બનાવના સમાચાર વાયુવેગે પ્રસરતા હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ધસી આવ્યા હતા અને આ ગંભીર બનાવના પગલે સમગ્ર તાલુકામાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ ધંધુકા પીઆઈ વી.બી. જાડેજા ચલાવી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks