ધંધુકાની ૧૧ વર્ષની રૂહિન ફાતિમા તલાટે બે વર્ષની ઝોયાને પાણીના ટાંકામાંથી બચાવી

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧

અમદાવાદ જિલ્લાના ધંધુકાના મુખીફળીમાં રહેતી એક ૧૧ વર્ષની રૂહિન ફાતિમા નામની બાળકીએ પાણીના ટાંકામાં પડી ગયેલી બે વર્ષની ઝોયા મનસુરી નામની બાળકીને પોતાની જાનની પણ પરવા કર્યા વિના બચાવી લઈ પોતાના પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું છે. રૂહિન ફાતિમાની આ બહાદુરીની ચર્ચા આખા ગામમાં ફેલાઈ જતાં તેની શાળાના સંચાલકો પણ આફરિન પોકારી ગયા હતા અને રૂહિન ફાતિમાનું પ્રશસ્તિ પત્ર અને પુરસ્કાર આપી બહુમાન કર્યું હતું. બનાવની વિગત એમ છે કે ધંધુકા તાલુકાના મુખીફળીમાં રહેતા મહેમૂદભાઈ તલાટની ૧૧ વર્ષની પુત્રી રૂહિન ફાતિમા પોતાના ઘર નજીક અન્ય બાળકીઓ સાથે રમતી હતી. ૧ર.૩૦ વાગ્યા બાદ અન્ય બાળકીઓ ઘરે જતી રહી હતી અને રૂહિન ફાતિમા પણ ઘરે જવાની તૈયારી કરતી હતી ત્યાં તેણીને કંઈક અજુગતો અવાજ આવતા અવાજની દિશામાં દોડવા લાગી હતી. જ્યાં જઈ જોયું તો એક અવાવરૂં મકાનના પાણીના ટાંકામાં નજીકમાં રહેતી બે વર્ષની ઝોયા મનસુરી નામની બાળકી પડી ગઈ હતી અને તે તરફડિયા મારતી હતી. આ જોઈ રૂહિન ફાતિમાએ પળનોય વિલંબ કર્યા વિના ટાંકામાં ઉતરી બાળકીને બચાવી લીધી હતી. ૧૦ ફૂટ ઊંડા આ ટાકાંમાં અડધાની વધુ પાણી ભરેલું હતું. આ અંગે રૂહિન ફાતિમાએ જણાવ્યું હતું કે મકાનની આસપાસ કોઈ ન હતું. બધા બાળકો પણ ઘરે જતાં રહ્યા હતા. આથી હું ઝોયાને બચાવવા બીજાની મદદ લેવા બૂમો પાડત તો સમયસર બચાવી ન શકત અને તે તરફડિયા મારી મરી જાત. આથી મેં જાતે ટાંકામાં અડધી ઉતરી એક હાથથી લટકી બંને પગ ટાંકામાં ઉતાર્યા હતા અને પગથી ઝોયાને આગળ ખેંચી બે પગ વચ્ચે દબાવી દીધી હતી ત્યારબાદ એક હાથથી તેણીને અધ્ધર કરી બહાર કાઢી હતી. રૂહિન ફાતિમાની બહાદુરી અને હિંમતને લીધે ઝોયા મનસુરીનો બચાવ થતાં તેણીના માતા-પિતા ગદ્‌ગદ થઈ ગયા હતા. દરમિયાન રૂહિન ફાતિમા ધંધુકાની જે શ્રી એમ એસ ચુડાસમા (આર્ય) કાદીપુર વિદ્યાલયમાં અભ્યાસ કરે છે ત્યાં રૂહિન ફાતિમાની બહાદુરીની ચર્ચા થતાં શાળાના આચાર્ય આર.ડી. ચુડાસમાના કાને વાત પહોંચી હતી. આથી તેમણે ઝોયાની બહેન કે જે પણ આજ શાળામાં અભ્યાસ કરે છે તેણીને પૂછી ખરાઈ કરાતા આચાર્ય પણ ગદ્‌ગદિત થઈ ગયા હતા અને તરત જ તેમણે શનિવારે શાળામાં એક કાર્યક્રમનું આયોજન કરી તમામની હાજરીમાં રૂહિન ફાતિમાનું પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર આપી બહુમાન કર્યું હતું. આમ ૧૧ વર્ષની બાળકીએ પોતાની હિંમત, બહાદુરી અને સમય સૂચકતાથી બે વર્ષની બાળકીનો જીવ બચાવતા આખા ગામમાં તેની બહાદુરીની ચર્ચા લોકોની જીભે રમી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts