ાાલનપુર, તા.૧૯
ધાનેરામાં વિપ્ર યુવક પર એક તબીબ સહિતના લોકોએ કરેલા જીવલેણ હુમલાના બ્રહ્મ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. એકબાજુ હુમલાનો ભોગ બનેલો વિપ્ર યુવક જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. આજે પાલનપુર ખાતે યુવા બ્રહ્મ સેનાએ જિલ્લા પોલિસ વડાને આવેદનપત્ર પાઠવી ૪૮ કલાકમાં આરોપીઓને ઝડપી લેવાની માંગ કરી ન્યાયની ગુહાર લગાવી હતી.
ધાનેરાના ભાવેશ જોશી નામના વિપ્ર યુવક પર તબીબ ડો.મંગલ સહિતના આરોપીઓએ જાનલેવા હુમલો કર્યો હતો. ખુબજ વિકૃત રીતે કરાયેલા હુમલામાં પીડિત યુવક અમદાવાદ ખાતે જીવન મરણ વચ્ચેનો જંગ ખેલી રહ્યો છે. આમ છતાં ફરિયાદ થયાના ૧૦ દિવસ વીતવા છતાં આરોપીઓ ઝડપાયા નથી. વળી, જીવલેણ હુમલામાં તબીબી અભિપ્રાય હોવા છતાં પોલિસ દ્વારા કલમ-૩૦૭ દાખલ કરવામાં આવતી નથી. આ કેસમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે સમગ્ર બ્રહ્મ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
દરમિયાન, આજે યુવા બ્રહ્મ સેનાએ ધ્રુજારો કરતા આજે જિલ્લા પોલીસવડાની કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં આરોપીઓની આગામી ૪૮ કલાકમાં ધરપકડ કરવાની સાથે ૩૦૭ની કલમ ઉમેરવાની માંગ કરાઈ હતી. જો ૪૮ કલાકમાં માંગણી નહીં સંતોષાય તો બ્રહ્મ સમાજ દ્વારા જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.