ધાનેરામાં બનાસકાંઠા જમિયતે ઉલમા દ્વારા ખિદમતે ખલ્ક : સફાઈ બાદ આરોગ્ય ચકાસણી

(સંવાદદાતા દ્વારા)
પાલનપુર, તા.૩૦
બનાસકાંઠામાં સર્જાયેલ ભારે પૂરમાં ઠેર-ઠેર તબાહી સર્જાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને ધાનેરામાં પૂરે વિનાશ સર્જ્યો છે. ૪૦થી વધુ મૃતદેહો તથા હજારો પશુઓના મોત બાદ ઠેર-ઠેર ગંદકી કાદવ-કીચડથી રોગચાળો પણ ફાટ્યો છે. જેને લઈ બનાસકાંઠા જમિયતે ઉલેમાના પ્રમુખ મો.અબ્દુલ કુધુસ તથા જન.સેક્રેટરી અતિકુર્રહેમાન કુરેશીના માર્ગદર્શન હેઠળ ત્રણસોથી વધુ જમિયતના કાર્યકરો છેલ્લા બે દિવસથી ધાનેરામાં પૂરપીડિતોની વ્હારે છે. કાર્યકરો દ્વારા મંદિરો-મસ્જિદો દુકાનો અને જાહેર રસ્તા પર ભરાયેલ ભારે કાદવ-કીચડ ઉલેચી કોમી એકતાનો માહોલ પેદા કર્યો છે. મુસ્લિમ યુવાનો દ્વારા સફાઈ ઝુંબેશને સમગ્ર ધાનેરાના હિન્દુભાઈઓ વખાણી રહ્યા છે.
દરમ્યાન આજરોજ જમિયતે ઉલેમા બનાસકાંઠાના નેજા હેઠળ પાલનપુરના જમિયતે ઉલેમાના (બનાસકાંઠા)ના મૌલાના અ.કુદ્દુશ તથા અતિકુર્રહેમાને જણાવેલ કે, કુદરતી આફતમાં દરેક વિસ્તાર અને મંદિર, મસ્જિદમાં પણ કીચડ થયેલ તો પછી આપણે તેમાં ભેદભાવ કરવાવાળા કોણ ? અમે, તમામ નુકસાન પામેલા સ્થળો અને મકાનો તથા શેરીઓની સફાઈ રોગચાળો ન ફેલાય તે માટે હાથ ધરી છે. પૂરના પાણી તો ઓસરી ગયા પણ કોલેરા જેવી આફત ન સર્જાય તે હેતુથી આ કામગીરી કરેલ છે.
દરમ્યાન આજરોજ જમિયતે ઉલેમા બ.કાં.ના નેજા હેઠળ પાલનપુરના મુસ્લિમ ડૉક્ટરો ધાનેરા ખાતે પૂરપીડિતોની વ્હારે પહોંચ્યા હતા અને ધાનેરાના હિન્દુ-મુસ્લિમ ભાઈઓના ઘર-ઘર પહોંચી બીમાર દર્દીઓની સારવાર કરી તેમને નિઃશુલ્ક દવાઓ આપતા માનવતા મહેંકી ઉઠી હતી. મુસ્લિમ ડૉક્ટરોની આ સેવાકીય અને ખિદમતે ખલ્કની વૃત્તિને ધાનેરાના હિન્દુ ભાઈઓએ પણ બિરદાવી હતી. જમિયતે ઉલેમા બનાસકાંઠાના આ સેવાકીય પ્રવૃત્તિઓ પાલનપુરના ડૉક્ટર સલીમભાઈ શેખ, ડૉ.સલીમ મેમન, ડૉ. આર.ડી.નાગોરી, ડૉ.લુકમાન મેમન તથા તેમની ટીમ જોડાઈ હતી.

મુસ્લિમ ભાઈઓએ મંદિર- મસ્જિદ તેમજ ગરીબ લોકોના ઘરની કરી સફાઈ

ધાનેરામાં પૂર પાણી ઓસર્યા બાદ જાણે કોમી એકતા દર્શન થઇ રહ્યા હોય તેમ મુસ્લિમ સમાજના લોકો હિન્દુ ભાઈને મદદ કરી ભાઈચારાની ભાવના વધારી રહ્યા છે . ધાનેરામાં જળપ્રલયને લઇ સમગ્ર ધાનેરા ગંદકીમાં ગરકાવ થઇ જવા પામ્યું છે અને ધાનેરામાં ભારે રોગચાળો ફેલાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. લોકોના ઘરોની સાથે સાથે પવિત્ર ગણાતા મંદિર અને મસ્જિદ પણ આજે ગંદકીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. ત્યારે ધાનેરામાં મુસ્લિમ ભાઈઓ દ્વારા જાતે જ મસ્જિદ તેમજ મંદિરોની સફાઈ કરી એક કોમી-એકતાના દર્શન કરાવી રહ્યા છે. ધાનેરામાં આવેલા તમામ મંદિર અને મસ્જિદની સફાઈ કરતાં મુસ્લિમ ભાઈઓ જણાવી રહ્યા છે. હિન્દુ-મુસ્લિમ ભાઈ છે માત્ર મંદિર અને મસ્જિદ નહિ પણ ધાનેરાના જાહેર માર્ગો તેમજ ગરીબ લોકોના ઘરની પણ આ મુસ્લિમ ભાઈ સફાઈ કરી રહ્યા છે અને લોકોને મદદરૂપ બની રહ્યા છે. ત્યારે આ જોઈ સરકારે કંઈક શીખવાની જરૂર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks