(ઇસરાઇલ શેખ દ્વારા)
સુરત,તા.૨૧
‘સૌનો સાથ સૌનો વિકાસ’ની વાતો કરતી ભાજપ સરકારના ચૂંટાયેલા ધારાસભ્ય કોમવાદી વાણીવિલાસ કરી ભેદભાવ પૂર્વકનો રાજકારણ રમી રહ્યા હોય તેમ સુરત લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટિલએ સુરત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતામાં મળેલ સંકલન મીટિંગમાં લિંબાયત વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માગણીના સામે સમગ્ર લિંબાયત વિસ્તારમાં રહેતા લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ બાબતે લિંબાયત વિસ્તારના હિન્દુ-મુસ્લિમ દ્વારા બનેલ લિંબાયત હિતરક્ષક સમિતિ દ્વારા ટૂંકા દિવસોમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવનાર હોવાનું કોંગી કોર્પોરેટર અસલમ સાઈકલવાલાએ જણાવ્યું હતું. તેમજ જો લિંબાયત વિસ્તારમાં હિન્દુના મકાન મુસ્લિમ દ્વારા બળજબરીપૂર્વક ખરીદવામાં આવતા હોય તો લિંબાયત પોલીસ મથકમાં આ બાબતે કેસ નોંધાવવો જોઇએ, પરંતુ પો.સ્ટેશનમાં એક પણ પોલીસ ફરિયાદ નથી. વિધાનસભાના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ અગાઉ શહેરના નાનપુરા, ગોપીપુરા, સોની ફળિયા સહિતના આજુબાજુના વિસ્તારોમાં અશાંતધારોની માગણી કરી અશાંતધારો લગાવી વિભાજનવાદી રાજકારણ રમ્યા બાદ તેમના પગલે લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટિલ ચાલી રહ્યાં હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
આ અંગે વિસ્તૃત પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત લિંબાયત વિસ્તારના ભાજપના ધારાસભ્ય સંગીતા પાટિલ દ્વારા પોતાના મતવિસ્તાર લિંબાયતમાં લાગુ કરવાની માંગ કરી ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે, તેમના વિસ્તારની કેટલીક સોસાયટીમાં મુસ્લિમો દ્વારા ઊંચી રકમ આપીને હિન્દુઓના મકાન ખરીદી રહ્યાં છે !! તેવી રજૂઆત જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સંકલન સમિતિની બેઠકમાં સંગીતા પાટિલે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેથી ત્યાં હાજર સૌ સ્તબ્ધ થઇ ગયા હતા, વધુ રજૂઆત કરતાં કહેલ કે મુસ્લિમો લિંબાયત વિસ્તારમાં પોતાના પ્રભુત્વ વધારવા માટે મોટાપાયે મકાનોની ખરીદી કરી રહ્યાં છે કલેક્ટરે આ બાબતે પોલીસ કમિશનર તેમજ ઉચ્ચસ્તરે અભિપ્રાય માટે રજૂઆત મોકલી આપી હતી.
લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટિલે અચાનક કરેલ અશાંતધારોની માંગ સંદર્ભે લિંબાયત વિસ્તારના હિન્દુ – મુસ્લિમ લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે, જે બાબતે ત્યાંના સ્થાનિક કોંગી કોર્પોરેટર અસલમ સાઈકલવાળાએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય સંગીતા પાટિલ દ્વારા કલેક્ટરને જે ઉપરોક્ત વિસ્તારનું વર્ણન કરી અશાંતધારો બાબતે માગણી કરેલ છે. તેમાંથી મોટાભાગના વિસ્તારો લિંબાયત વિધાનસભામાં આવતા જ નથી. એ ઉધના વિધાનસભામાં આવે છે. કારણ કે ધારાસભ્ય સંગીતાબેને સ્થાનિક લોકોના કામ ન કર્યા હોવાથી લોકોમાં તેમના પ્રત્યે કોઇ લાગણી રહી નથી. એટલે સંગીતાબેન બદલાની ભાવનાથી અને ફૂટડાલો તેમજ રાજકરોના જૂની કહેવતને સાર્થક કરતા હોય તેમ અશાંતધારોની માગણી કરી છે. તેમજ વધુમાં તેમણે કહ્યું હતું કે, સંગીતાબેન મારૂતિનગરની જે વાત કરે છે. એ યુ.એલ.સી.ની જમીન પર છે એટલે એ સરકાર હસ્તકની જમીન છે, એ પણ સંગીતાબેનને જો ખબર ના હોય તેમજ ૧૯૮૭માં મોજે લિંબાયતનો વિસ્તાર વ્યાપ્યો એ પહેલા જ લિંબાયત વિસ્તારમાં મુખ્ય ભાગે જમીનના માલિક અબ્દુલ કાદર મન્સુરી અને પારસીબાવાજી હતા. ત્યારે તેમણે કોઇ ભેદભાવ ન જોયા અને દરેક કોમને પ્લોટો પાડીને વહેંચ્યા છે, તો હવે સંગીતાબેને પાટિલને મતના રાજકારણ માટે અશાંતધારો લાગુ કરાવી ભાગલા પાડીને યુક્તિ કેમ અજમાવી રહ્યા છે. તે લિંબાયતના લોકોને સમજાતું નથી. તેમજ અશાંતધારો એ પૌરાણીક મંદિર, દેરાસર હોય, જેમની જાળવણી માટે લાગુ કરવામાં આવતો હોય છે. પરંતુ લિંબાયતનો વિકાસ જ ૧૯૮૭માં થયો હોવાથી તેમાં એવી કોઇ ધાર્મિક પૌરાણીક વસ્તુઓ આવી નથી તો અશાંતધારો લાગુ કરવો યોગ્ય નથી અને તે માટે ટૂંકા દિવસોમાં લિંબાયતના હિન્દુ – મુસ્લિમ દ્વારા બનેલી લિંબાયત હિતરક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આ બાબતે વિરોધ કરતો આવેદનપત્ર પણ આપવામાં આવનાર હોવાનું અસલમ સાઈકલવાલાએ જણાવ્યું હતું.
અશાંતધારો બાબતે અગાઉ પણ ભાજપના ૧૬૭ (પશ્રિમ) વિધાનસભાના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતના કોર્ટ વિસ્તારમાં આવેલ નાનપુરા ગોપીપુરા, સોની ફળિયા, ભાગાતળાવ, જેવા વિસ્તારોમાં એક વર્ષ પહેલા જ અશાંતધારો લાગુ કરવામાં સફળ રહ્યા હોવાથી તેનું પુનરાવર્તન અને અનુકરણ કરી લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટિલ કરી રહ્યા છે.
સોશ્યલ મીડિયામાં ટીકા ટિપ્પણીનો ધોધ વહ્યો
લિંબાયત ધારાસભ્ય સંગીતાબેનનો મત પેટીને ભરવા માટેનો આ આક્ષેપ તમારો ખોટો છે, લિંબાયતના વિસ્તારના લોકો સત્તાને લાયક વ્યક્તિને મત આપશે, ભલે તે ગમે તે હોય તેમજ સંગીતાબેન તમારી માનસિક સ્થિતિ ખરાબ છે, તેવા સોશ્યલ મીડિયામાં આક્ષેપો ધારાસભ્ય સંગીતા પાટિલે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કર્યા બાદ થઇ રહ્યો છે.
લિંબાયત વિસ્તારમાં અશાંતધારો લાગુ કરાવવા સંદર્ભે ધારાસભ્ય સંગીતા પાટીલએ સુરત જિલ્લા કલેક્ટરમાં કરેલ રજૂઆતને પગલે સોશ્યલ મીડિયામાં પણ તેમના વિરૂદ્ધ ટીકા ટિપ્પણીનો મારો થયો હતો. તેમાં બંને કોમના લોકોએ સોશ્યલ મીડિયા ઉપર આ બાબતે વિરોધ કરી ધારાસભ્ય સંગીતા પાટિલની માનસિક સ્થિતિ પણ સારી નથી તેવી સુદ્ધાં જણાવી દીધી હતી. તેમજ કેટલાકો એ તો એવું પણ કહ્યું હતું કે ફેસબુક અને વોટ્સએપ ઉપર વિરોધ કરવો જોઇએ કારણ કે કેટલાક બદમાશો બંને કોમને લડાવે છે, અને પોતે ખુદ બંગલા, કાર, એસીમાં રહે છે. જેથી આવા ભેદભાવવાળા રાજકારણીને તિલાંજલી જોઇએ તેવો મારો સોશ્યલ મીડિયામાં ચાલી રહ્યાં હતા.
સુરતમાં બે તિરંગા યાત્રા નીકળી હતી
ભાજપ દ્વારા ૧પમી ઓગષ્ટ સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, પરંતુ સુરતમાં બે તિરંગા યાત્રા નિકળી હતી. જેમાં પાછળથી ધારાસભ્ય સંગીતા પાટીલ અને નવસારી સાંસદ સી.આર.પાટીલ દ્વારા કાઢવામાં આવતાં સ્પષ્ટ પણે સ્થાનિક ભાજપમાં આંતરીક મતભેદો હોવાનું સ્પષ્ટ પણે દેખાઇ રહ્યું છે. ધારાસભ્ય પોતાની ખુરશી સલામત રાખવા માટે નવા નવા પેતરાઓ અજમાવી આ અશાંતધારાને લાગુ કરાવી મત અંકે કરવાનું ગણીત ગણી રહ્યા હોય તેમ લોકોને દેખાઇ રહ્યું છે. ખરી હકીકત સુરત ભાજપના અંદર જ આંતરીક જુથવાદ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. અને આ કારણે જ ધારાસભ્ય સંગીતા પાટીલની સાથે રહેલ લોકો તેમનો છેડો ફાડી તેમના વિરુધ્ધ જતા રહ્યાં છે જે બાબતે કોંગી કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ વધુમાં પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, સી.આર.જુથ સાથે રહેલ રવિન્દ્ર પાટીલ અને મુરલીધર પાટીલ જેઓ લિંબાયતમાં પોતાની સારી પકડ ધરાવે છે, તેઓ સી.આર.પાટીલ સાથે છેડો ફાડી અલગ ચોકો રચતાં સી.આર.પાટીલ અને સંગીતા પાટીલ એક જુથમાં હોવાથી તેમને આ બાબતથી ફાટ પડી છે. તેમજ સંગીતા પાટીલ સાથે રહેલ સુનીલ પાટીલ અને સુમન પાટીલ આ બંનેએ પણ સંગીતા પાટીલ સાથેનો છેડો ફાડી નાંખ્યો છે, અને હાલમાં ભાજપ દ્વારા નિકાળવામાં આવેલ તિરંગા યાત્રામાં ધારાસભ્ય સંગીતા પાટીલ અને નવસારી સાંસદ સી.આર.પાટીલના નામ સુધ્ધાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તેમજ બેનરોમાં પણ તેમનો નામનો ઉલ્લેખ ન હતો. જેથી રઘવાયા બનેલા અને પોતાની હાર ભાળી ચુકેલા લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલ અને સી.આર.પાટીલે લિંબાયત વિસ્તારમાંથી બીજીવાર તિરંગા યાત્રા કાઢતા સુરતમાં એક જ પક્ષ દ્વારા બે તિરંગા યાત્રા નિકળી હોવાથી સુરત ભાજપનો જુથવાદ ચરમ સીમાએ છે તેવું દેખાઇ રહ્યું હોવાનું પણ કોંગી કોર્પોરેટરે જણાવ્યું હતું.