અમદાવાદ, તા.૨૮
ગુજરાત હાઇકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં એવું ઠરાવ્યું છે કે મુસ્લિમ સાથે લગ્ન કરનાર હિંદુ મહિલા પોતાના હિંદુ ધર્મને તિલાંજલી આપીને ઇસ્લામ અંગિકાર કરે તો હિંદુ ઉત્તરાધિકાર (વારસાઇ) ધારા હેઠળ તે પોતાના પિતાની વડીલોપાર્જિત મિલકતો વારસામાં મેળવવા માટે હકદાર બને છે.
બુધવારે સહી કરેલા એક આદેશમાં ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાએ હિંદુ ઉત્તરાધિકાર કાયદાનું અર્થઘટન કર્યું હતું અને એવો નિષ્કર્ષ કાઢ્યો હતો કે હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ ધર્માંતરણ કરનાર વ્યક્તિને વડીલોપાર્જિત મિલકત વારસામાં મેળવતા ગેરલાયક ઠરાવતો નથી. તે માત્ર ધર્માંતરણ કરનાર વ્યક્તિના વંશજોને ગેરલાયક ઠરાવે છે.
હાઇકોર્ટે રાજ્યની મહેસૂલ સત્તાવાળાઓને વારસદારની યાદીમાં મહિલાનું નામ દાખલ કરવા આદેશ કર્યો છે. સત્તાવાળાઓએ અગાઉ એવું ઠરાવ્યું હતું કે મહિલાએ સ્વેચ્છાએ પોતાના હિંદુ ધર્મનો ત્યાગ કર્યો હોવાથી તેને પોતાના હિંદુ પિતાની મિલકતમાં ભાગ લેવાનો કોઇ અધિકાર રહેતો નથી. આ કેસ વડોદરાના વેમાલી ગામના નસીમબાનુ ફિરોઝખાન પઠાણનો લગ્ન પૂર્વેનું નામ નયનાબેન ભીખાભાઇ પટેલને લગતો છે.
તેમણે ૨૫ જાન્યુ.૧૯૯૧ના રોજ મુસ્લિમ વિધિ વિધાન પ્રમાણે ફિરોઝખાન સાથે લગ્ન કરતા પહેલાં ૧૧ જુલાઇ ૧૯૯૦ના રોજ પોતાના હિંદુ ધર્મનો ત્યાગ કરીને ઇસ્લામ અંગિકાર કર્યો હતો. નસીમબાનુના પિતા ભીખાભાઇ પટેલ ૨૦૦૪માં ગામમાં મોટી જમીન જાગીર પોતાની પાછળ છોડીને મૃત્યુ પામ્યા હતા. આથી જ્યારે નસીમબાનુએ પોતાના પિતા છોડીને ગયેલા જમીન પર પોતાનો હક દાવો કર્યો અને વારસદાર તરીકે પોતાનું નામ દાખલ કરવા અરજી કરી ત્યારે તેની બહેન અને ભાઇએ તેને અન્ય ધર્મ અંગિકાર કર્યો હોવાથી તે આ મિલકત વારસાઇમાં મેળવવા હકદાર નથી એવા આધારે વિરોધ વાંધો ઉઠાવ્યો હતો.
રસપ્રદ વાત એ છે કે નાયબ કલેક્ટરે પણ એવું જણાવ્યું હતું કે આ મિલકત વારસાઇમાં મેળવવા હકદાર છે. પરંતુ જિલ્લા કલેક્ટર અને રાજ્ય મહેસૂલ સચિવે ડેપ્યુટી કલેક્ટરના આ નિર્ણયને ઉલટાવી નાખ્યો હતો. કેસની સુનાવણી કર્યા બાદ જસ્ટીસ પારડીવાલાએ જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન અને જ્ઞાતિ ગુમાવવાની બાબતો મિલકતની જપ્તિના આધાર તરીકે હવે ક્યારની ગ્રાહ્ય રાખવામાં આવતી નથી અને વ્યક્તિ હિંદુ મટી ગઇ હોવાના આધારે વારસાઇ હકમાંથી ગેરલાયક ઠરાવવાની બાબત આવી ધર્માંતરણ કરનાર વ્યક્તિના વારસદાર કે વંશજો પૂરતી જ સિમિત છે જ્યારે વારસાઇ હકમાંથી ગેરલાયક ઠરાવવાની બાબત ધર્માંતરણ કરનાર વ્યક્તિને લાગુ પડતી નથી.